દેશમાં ગામડાઓનો ઘોર વિરોધ કરનારી એક માનવ પ્રજાતિ અસ્તિત્વમાં આવી છે. તેઓ ગામડાઓને તો ચાહતા નથી પરંતુ ગામડે વસતા લોકોને પણ ધિક્કારે છે. આ ગ્રામવિરોધી પ્રજા એટલે આપડે જેને ભણાવી ગણાવીને આગળ મોકલી એ આપડી પોતાની પ્રજા એટલે કે આપડો વસ્તાર. એ બીજું કોઈ નહીં આપડે પેટે પાટા બાંધીને જેમને સુરત મોકલ્યા એ લોકો જ હવે આ ગામડાંઓને એટલે કે એમની મા-ભોમકાને ધિક્કારે છે. આખા સૌરાષ્ટ્રમાં અને આણંદ-નડિયાદ-ખેડામાં કે કચ્છમાં ગામેગામ ન દેખાય એવા વૃદ્ધાશ્રમોની શરૂઆત થઈ ગઈ છે. લગભગ દરેક ગામડે એક અનરજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમ છે. હવે તો ટિફિન સેવાઓ પણ ચાલુ થઈ ગઈ છે. પંડ્યના જણ્યા જ પડતા મેલે એને તો પછી વગડાનો વા ઝાલે કે પછી એ તો બેઠી ભોરિંગડી કે બેઠાં ગોખરાની જેમ ફાલે. એણે કંઈ ઊંચી ડોક કરવાની આવે નહિ.
સૌરાષ્ટ્ર કે ગુજરાત પહેલાં આવું ન હતું. મા-બાપને ગામડે રહેવા દેવા એ એક વાત છે અને માબાપને ખાલી થઈ ગયેલા ગામડે હવે પૂરી રાખવા ઈ તો બીજી જ વાત છે. કેટલાક ગામમાં તો બે બે રસોડા ચાલે છે. જેમણે કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને સુરત, મુંબઈ અને વિદેશમાં સેટ કર્યા એ વડીલોને તેમના વતનમાં જ સંતાનોએ બહુ સારી રીતે અપસેટ કરી આપ્યા છે. આપણી સંસ્કૃતિનું દરેક ગામડાંમાં અત્યારે આઘાતદાયક પ્રદર્શન યોજાયેલું છે અને જુદા જુદા ગામોમાં એક એક દિવસ રોકાઈને એ બધું આત્મસાત્ કરવા જેવું છે. પડે છે ત્યારે સઘળું પડે છે એનો હોનહાર સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર એટલા માટે કરવો કે ન કરે નારાયણ ને આપડે પણ એવા જ ગામડાંઓમાં કાલ સવારે એકલા એકલા ઠેબા ખાવાના આવે તો પછી બહુ વસમુ ન લાગે. આ તો પીપળ પાન ખરંતાની પરંપરા છે. આવતીકાલના જેટલા સંભવામિ સ્વરૂપોને સ્વીકારીને ચાલો એટલી એ ટાણે યાતના ઓછી. અત્યારે ખાલી થયેલા ગામડાઓ કંઈ રાતોરાત ખાલી થયા નથી. એની પાછળનો લાંબો ઈતિહાસ છે અને ઇતિહાસમાં આપણી ધીરે-ધીરે ખાડે જઈ રહેલી ગુજરાતની સંસ્કૃતિ દેખાય છે. એક જમાનામાં દર દિવાળીએ અને ઉનાળાના વેકેશનમાં સુરતથી આપણે ત્યાં વતનમાં ધાડાં ને ધાડાં ઉતરી આવતા. એ આપણા છોકરાઓના કાફલાઓ આવતા અને આપણને લાગતું કે આહાહા શું કંઈ પંખીઓના ટોળા ઉતરી આવ્યા છે ને કાંઈ… જન્માષ્ટમી પર સુરતથી દીકરો ને વહુ આવે એ પહેલાંની તો ઘરમાં જે રોનક હોય એની તો શું વાત કરવી. સુરતથી વહુ આવે એ પહેલા તો સાસુમા પોતે હાથે આખી અભરાઈ ઉટકીને ચકચકિત કરી નાખે. મેવા મીઠાઇ અને પકવાનના ડબ્બા છલકાવી દે. વળી આઠમ પછી એ લોકો સુરત જાય ત્યારે એમને આપવાના નવી મોસમના પાક અને ઘરના દૂધાળાં પશુઓના દૂધમાંથી તૈયાર થયેલા ઘીના બોઘરા અને કઠોળ ને એવું તો કંઈનું કંઈ માડી સુરત મોકલાવે.
આજે એ જ ઓંસરીએ બપોરે ટિફિન આવે છે. મેડીબંધા મકાનના ફળિયામાં સુનકાર પથરાયેલો છે. ઓંસરીને કાંઠે બેસીને વૃદ્ધ દંપતી બટકુ બટકુ ખાઈને ટંક પસાર કરે છે એટલું જ. જમીનો સંતાનોએ થોડી તો વેચી દીધી છે. હવે જે થોડી રહી છે એ ભાગવી વાવવા આપી છે. ગામડાંઓ સાવ બદલાઈ ગયા છે એનું એક કારણ એ છે કે માણસના મન બદલાઈ ગયા છે. કારણ કહેવા માટેનું કંઈ પણ હોય પરંતુ સત્ય તો સહુ જાણે છે કે માડી-બાપા હવે છોકરાઓના ઘરે સુરતમાં ‘પોહાણ’ નથી. પોહાણ નથી એટલે પોસાતા નથી. આ એ માડી છે જે શિયાળાની કાતિલ રાતેય વહેલી ઉઠીને ઢોરને નિરણપાણી કરતી અને સવારે આખાય ઘરનું વાશીદું કરીને આઠશેર દૂધના બોઘરા ભરી ઘરના અને મજૂરોના એકસાથે રોટલા ઘડી જાતે ઊભી મોસમમાં નિંદામણ કરવા ખેતરે દોડી જાતી. ત્યારે એ માડીએ કાંખમાં જે કાનુડો તેડી રાખ્યો હતો એ પોહાણ હતો. એને મોટા કર્યા ને એને હવે સુરતની ને મુંબઈની એવી હવા લાગી ગઈ છે કે એને ખબર જ નથી કે માડીની સવાર કેમ પડે છે ને રાત કેમ પડે છે.
જે વડીલો પહેલેથી સંતાનો સાથે સુરત ગયા એ ફાવી ગયા. એમને સુરત ફાવી ગયું અને સુરતને એ માફક આવી ગયા. અહીં વતનમાં જે રહી ગયા તે રહી જ ગયા. આજે ગામડાંઓ ખાલી થઈ ગયા છે એ જ સમસ્યા છે, બાકી આ જ ગામડાંઓ જ્યારે ધમધમતા હતા ત્યારે આ વડીલો આધેડ વયના હતા ને એમને સુરત જવામાં કોઈ રસ ન હતો. એવુંય નથી કે છોકરાઓએ એમના શહેરી ઘરના દરવાજા બંધ રાખ્યા છે. એમણે અગાઉ કહ્યું હોય ત્યારે આ વડીલોએ છણકો કરીને ના ભણી હોય. બધા નહિ તોય બે-પાંચ ટકા વડીલો એવાય છે કે જે લખ્ખણે પૂરા હોય. એટલે કે એવી ટકટક કરવાની ટેવ હોય કે કુટુંબમાં કોઈ પ્રશ્ન ન હોય તોય ક્લેશ થાય. એટલેય એમને સુરત સાથે રહેવાનો મોકો સંતાનો આપતા નથી. એમ ન માનવું કે આમાં માત્ર ખેડૂતોનો વર્ગ જ છે. નોકરિયાતોનો બહુ મોટો સમુદાય હજુ ગામડાંઓમાં વસે
આભાર – નિહારીકા રવિયા છે. તેમને પણ સંતાનો સાથે શહેરમાં રહેવા જવું નથી. કેટલાક નોકરિયાતોને તો પોતાના પેટના જણ્યાને બદલે પેન્શનની ચોપડીઓ વહાલી છે. એ ચોપડી લઈને જ તેઓ સ્વર્ગમાં સિધાવવાના છે. દીકરા-વહુ સાથે રહીને ઢળતી સંધ્યાના સુખ-સાગરમાં ડૂબકી મારતા તેઓ શીખ્યા નથી. નોકરિયાતોના ઘડપણની એક મોટી સમસ્યા છે કે તેઓનામાંથી ખટપટ જતી નથી, એ તો ચાલુ જ રહે છે. નિવૃત્તિની વય આવે કે તરત નિજાનંદમાં બે ઘડી હરિનામ લેવું અને પુત્રપૌત્રાદિકને વીંટળાઈ વાત્સલ્ય વહાવતા રહેવું, ઘરનું કંઈક કામકાજ કરવું ને ઓછામાં ઓછું બોલવું એ બધાને ખબર તો છે જ પણ એનો અમલ તો કોઈ વિરલા વડીલો જ કરી શકે છે. બધા જ કિસ્સાઓમાં સંતાનોનો વાંક હોતો નથી અને બધા વડીલો ઉપેક્ષાને પાત્ર હોતા નથી. ઉંમર થાય પછી તો સહુ કુણા પડે એમાં શું નવાઈ ? શરીર તંદુરસ્ત હોય ત્યારે જ જેઓ સંતાનોને આધીન થઈને રહે છે તેઓ ભાગ્યવાન છે. સૌરાષ્ટ્રમાં એવા લાખો વડીલો છે કે જેમની અંતઘડીએ એમના પુત્ર એમને એક ચમચી ગંગાજળ પીવરાવવા માટે પાસે નહિ હોય એ નક્કી છે. કેટલાક વડીલોનો પોતાનો જ આવો નિર્ણય હોય છે. એમને સંતાનોના હાથનો રોટલો ખાવો જ નથી તો એમાં સંતાનો શું કરે? ગામડાંઓ જ નવા વૃદ્ધાશ્રમનું સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને એમાં ન તો એકલા સંતાનોનો વાંક છે અને ન તો એકલા વડીલો દોષિત છે. પરંતુ એકેએક ગ્રામવિસ્તાર હવે એ બતાવે છે કે યુગ બદલાઈ ગયો છે. આપણી જૂની
ગ્રામસંસ્કૃતિના અવશેષ પણ જોવા ન મળે. બધા જ પનઘટ ખાલી છે. પનિહારીઓના ઝાંઝરનો અવાજ કાળના ઊંડા કૂવામાં લુપ્ત થઈ ગયો છે. કોઈ ઘોડેસવાર આ પાદરમાંથી હવે નીકળવાનો નથી. જેવો હોય વગડો વેરાન, એવા જ વેરાન ગામના ખોરડાં. હજુય દેશી નળિયાની બખોલમાં ક્યાંક ચકલીના માળા છે. ગામને ચોરે રામજી મંદિરની આરતીમાં જ્યાં દર્શન અને પંજરીના પ્રસાદ માટે ધક્કામુક્કી થતી ત્યાં હવે પૂજારીની આરતીમાં કોઈ કોઈ સંગાથી હોય. ઝાલર વગાડે તો નગારા બાકી રહી જાય ને નગારું વગાડવા જાય તો ઝાલર કોણ વગાડે ? આ આજની વાત છે, આવતીકાલની વાતમાં તો બસ, ખાલી રામ રામ બોલો….!











































