રાખનાં રમકડાં

ઊંઘની જરૂર બધા પ્રાણીઓને હોય જ છે. અંતે મોડે મોડે પણ શાંતુને ઊંઘ આવી. નવાઇ તો એ કે, આજની ઊંઘ તેને ખૂબ ખૂબ મીઠી મીઠી લાગી જયારે સવારે તે ઊઠી ત્યારે ખૂબ જ ખુશ ખુશ હતી. એટલે થોડી આળસ મરડી તે ઊભી થઇ. પછી પ્રાતઃકાર્યમાં લાગી ગઇ. આજે દામલ તો ખૂબ જ મોડો ઊઠયો હતો.
સવારના આઠ થયા. દામલ હજી તૈયાર થતો હતો. રોજ સવારના સાતના ટકોરે તો તે ઘરની બહાર એટલે કે સ્કૂલે જતો રહેતો. પરંતુ આજે તેણે રજા રાખી હતી. રજા લેવાનું કારણ તેના ઘરે આજે મહેમાન એવો મહેશ આવ્યો હતો. આજે તેની સંગાથે દામલને જવાનું હતું, મહેશને નવી નોકરી માટે ડયૂટી જોઇન કરવાની હતી.
સાડા નવ થતાં દામલ તૈયાર થઇને બેઠો બેઠો વર્તમાનપત્ર વાંચી રહ્યો હતો. ચા અને કપ લઇને રૂમમાં આવતાં શાંતુ બોલી: “સાડાબાર વાગશે એટલે હું તો સ્કૂલે જવા નીકળી જઇશ. જુઓ, બધી રસોઈ તૈયાર હશે. મહેશ સાથે તમે પાછા જયારે ઘરે આવો ત્યારે નિરાંતે જમી લેજા પછી બેસજા, વાતો કરજા, ને આરામ કરજા. આજે તમે તો ઘરે જ છો એટલે મારે જરાપણ ચિંતા નથી…”
“તું અમારી જમવાની ચિંતા ન કર. મહેશ ડયૂટી જોઇન કરી લેશે પછી વહેલાં મોડા ઘરે આવીને અમે બંને જમી લઇશું પરંતુ શાંતુ, મહેશ હજી તૈયાર નહીં થયો હોય…?”
“કોણ જાણે….! આ કુંવારા છોકરાઓનું કંઇ જ નક્કી નહીં, આવા છોકરાઓનો સૂવાનો અને ઉઠવવાનો ટાઇમ તો લગ્ન પછી જ નક્કી થતો હોય છે. આપણને શી ખબર, કદાચ મોડી રાત સુધી વાંચતો હોય તો ઉઠવામાં મોડું પણ થાય….”
શાંતુએ આ બોલવાનું પૂરૂં કર્યું ને બરાબર આ સમયે જ મહેશ રૂમમાં દાખલ થતાં વેત બોલ્યો: “ભાભી…! તમારી વાત સો ટકા સાચી છે. હું હજી સિંગલ છું… એટલે ઊંઘ આવે ત્યારે જ ઊંઘુ છું. પરાણે આંખો મીંચીને પડી રહેવાથી મને ઊંઘ આવતી નથી. એટલે ઊંઘ ન આવે ત્યાં સુધી હું કંઇક ને વાંચતો જ રહું છું….”
“બેસ… બેસ, હું તારા માટે ચા અને થોડો નાસ્તો લઈ આવું…” શાંતુએ ઊભાં થતાં કહ્યું ને તે સીધી જ રૂમની બહાર ચાલી ગઇ એટલે મહેશે દામલ સામે જાતાં કહ્યું: “સર…! તમે ખોટી રજા મૂકી છે. મારે હાજર થવામાં ત્યાં આગળ તમારી કંઇ જરૂર નહીં પડે….” મહેશ આમ બોલ્યો એટલે દામલે તરત જ કહ્યું:
“અરે ગાંડા…, એમ કંઇ હોય ! પહેલા દિવસે હું તારી સાથે ન આવું તો તો હું ખૂબ જ સ્વાર્થી કહેવાઉં. આમેય એક કરતા બે ભલા, એમાં વળી શું થયું…? ”
એક કપમાં ચા અને ડીશમાં થોડાં બિસ્કીટ અને ખારી લઇ આવી શાંતુએ આ બધું ટીપોઇ પર મૂકયા પછી બોલી ઃ “હળવો નાસ્તો છે, અને હા… નાસ્તો કર્યા વગર કયાંય બહાર ન નીકળાય…”
ચા – નાસ્તાને મહેશે ન્યાય આપ્યો. છેલ્લે પાણી પી લીધા પછી તે બોલ્યો:
“આજે મારી જિંદગીનો આ પ્રથમ દિવસ, એટલે કે મારી સરકારી નોકરીનો પ્રથમ દિવસ મને ખૂબ ખૂબ યાદ રહેશે. મારી કમાણીનો આ પ્રથમ દિવસ હું જિંદગી ભર નહીં ભૂલું, સર…, તમે અને ભાભી… તમને બન્નેને તો હું મરતા સુધી ભૂલીશ જ નહીં….”
“બસ મહેશ…. બસ ! બહુ થયું, હવે રહેવા દે, બધા જુવાનીયા – છોકરાઓ આવી ડાહી ડાહી વાત કરતા આવું જ બોલે છે. પરંતુ સમય આવે એટલે ભાભી એક બાજુ અને ભાઇ બીજી બાજુ એમને એમ પડયા રહે છે. બોલેલું સદંતર ભૂલી જ જાય છે. આ સમાજનો અને અને આ નાશવંત એવી દુનિયાનો નિષ્ઠુર નિયમ છે…” શાંતુ બોલી.
“પરંતુ ભાભી…., એ બધા જેવો હું નથી.. મારી પરીક્ષા કરવાની તમને છૂટ છે, સમજયાં… ? તમારે મારૂં કામ પડે એટલે મને કહેજા. કાળી રાતે પણ હું તમારા માટે દોડતો આવીશ… બસ ! બધું જ બધું ભૂલી જઇશ, પરંતુ તમને તો હું નહીં જ ભૂલું….” મહેશે કહ્યું.
“તો તો ખુબ જ સારૂં મહેશ, તું આ જે કંઇ બોલ્યો તે શબ્દો બરાબર યાદ રાખજે. હા, મારે એવી કોઇ જરૂરિયાત ઊભી થશે ત્યારે તું ના ન પાડતો, બરાબરને દામલ…?” દામલે તેની ડોક હકારમાં હલાવી. એટલે પછી શાંતુ વળી આગળ બોલી: “આજે તું તારી ડયૂટી તો જોઇન કરી લે, આ તારા ભાઇ તારી સાથે આવશે. હું તો શાળાએ ચાલી જઈશ, પછી સાંજના આપણે બધા ભેગા મળીશું…” (ક્રમશઃ)