સાવરકુંડલા જેસર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શહેરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું પૂજન, અર્ચન અને મહાઆરતી કોઠારી સ્વામી અક્ષરમુક્તદાસજી, ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ તથા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. અષાઢી બીજ નિમિતે ગુરુકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને ભજનની રજૂઆત આચાર્ય કૌશિકભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી. રથયાત્રા ગુરુકુળથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રદાન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સમર્પણ ગૌશાળામાં ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો.