જિલ્લા કાનૂની સેવા સમિતિ, વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, કોડીનાર દ્વારા શ્રી સર્વોદય કન્યા છાત્રાલયમાં નાલ્સાની “બાળ લગ્ન મુક્ત ભારત” યોજના અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળલગ્ન જેવી કુપ્રથાને નાબૂદ કરી બાળાઓને શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય માટે પ્રેરિત કરવાનો હતો. ઉપસ્થિત કિશોરીઓને બાળલગ્ન પ્રતિબંધક કાયદાની માહિતી આપી જણાવાયું કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની યુવતી અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન કાયદેસર ગુનો છે. બાળલગ્નથી થતા શારીરિક, માનસિક અને સામાજિક દૂષ્પરિણામો અંગે પણ માર્ગદર્શન અપાયું. પ્રસંગે બાળલગ્ન ન કરવા અને અટકાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો તેમજ ‘બેટી બચાવો, બેટી વાંચાવો’ સહિત વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી. કાર્યક્રમમાં પીએલવી પ્રકાશ મકવાણા, મેનેજિંગ ટ્રસ્ટી દુધીબેન વાઝા, વહીવટી ક્લાર્ક કે. સી. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.



































