સાવરકુંડલા ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના જતન તથા પ્રચારના હેતુથી યોજાયેલી યાત્રામાં ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ શિસ્તબધ્ધ રીતે જોડાયા હતા. એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી પ્રારંભ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જે.વી. મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સંસ્કૃતના વૈજ્ઞાનિક મહત્વ અને પ્રાચીન વારસાને દર્શાવતી સાત જીવંત ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અંતે વિદ્યાર્થીઓ માટે સાત્વિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.