લાઠીના ભાલવાવ ગામની સીમમાં “તારી ઉપર ટ્રેક્ટર ચડાવી દેવું છે” કહી એક યુવકને ધમકી આપવામાં આવી હતી. તેમજ આ રસ્તે તારે ચાલવાનો કોઈ હક નથી તેમ પણ કહ્યું હતું.આ બનાવ સંદર્ભે અરવિંદભાઈ ટાભજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૩)એ દુદાભાઈ મેઘજીભાઈ સોલંકી તથા અશોકભાઈ વશરામભાઈ ખેની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાની વાડીની વાડમાં છીંડા બૂરવાનું કામ કરતા હતા, ત્યારે આરોપીઓ દુદાભાઈ સોલંકીની વાડીએ ટ્રેક્ટર લઈને ખેતીકામ કરતા હતા.દુદાભાઈએ તેમને કહ્યું કે,આ રસ્તે તારે ચાલવાનો કોઈ હક નથી, તું ફરીને ચાલજે. જેથી અરવિંદભાઈએ કહ્યું કે, બંને બાજુ રસ્તો વાળી દીધો છે તો મારે ચાલવા ક્યાં જવું? આ સાંભળીને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપીને માટીના ઢેફાનો ઘા કપાળમાં મારી મૂઢ ઈજા પહોંચાડી હતી.અશોકભાઈ ખેનીએ તું અહીંયા આવ, તારી ઉપર ટ્રેક્ટર ચડાવી દેવું છે તેમ કહ્યું હતું. જે બાદ બંનેએ ગામમાં ક્યાંય પણ મળીશ તો મારી નાખીશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.