બાબરા તાલુકાના જામબરવાળા ગામમાં આવેલી વી.એન. કલ્યાણ વિદ્યાલયના ધોરણ-૯ ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. વોકેશનલ ટ્રેડ અંતર્ગત વિદ્યાર્થીઓએ ‘સંજાગ ન્યૂઝ’ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અખબાર બનવાની પ્રક્રિયાને નિહાળી હતી. સંસ્થાના રેસિડેન્ટ એડિટર નિલેશભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સમાચાર કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે, તેનું લેખન કઈ રીતે થાય છે અને અંતે અખબારમાં છાપકામની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાય છે, તે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ અખબારની શરૂઆતથી અંત સુધીની તમામ કામગીરી રસપૂર્વક નિહાળી હતી.