અમરેલી બાયપાસ પાસે પોલીસે બાતમીના આધારે એક આઈસર ટ્રક ઝડપી પાડી પશુ ક્રૂરતાનો મોટો ગુનો શોધી કાઢ્યો હતા. ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાના ઈરાદે અત્યંત દયાજનક હાલતમાં રાખવામાં આવેલા ૫૭ જેટલા ઘેટાંઓને પોલીસે મુક્ત કરાવ્યા હતા. મળતી માહિતી મુજબ, અમરેલી બાયપાસ પાસેથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રક (નંબરઃ GJ-07-Y-7262) ને રોકી તપાસ કરતા તેમાં ઘેટાંઓ ખીચોખીચ ભરેલા જોવા મળ્યા હતા. ખેડાના માતરના ઈરફાનભાઇ ફીરોજભાઇ ઓડ, ફજલભાઈ નિઝામભાઈ ઓડ, સાજીદભાઈ ફજલભાઈ ઓડ, જાહીદભાઈ ફજલભાઈ ઓડ એમ ચારેય આરોપીઓએ પશુઓને હલન-ચલન ન કરી શકે તેવી ક્રૂરતાપૂર્વક રીતે ટ્રકમાં ગોંધી રાખ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આઈસર ટ્રકની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ તથા રૂ. ૩,૬૪,૦૦૦ની કિંમતના ૫૩ ઘેટાં મળી કુલ રૂ. ૫,૬૬,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ આ પશુઓને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની સગવડ વિના લઈ જઈ રહ્યા હતા. આ ક્રૂરતાના કારણે ટ્રકમાં રહેલા ૪ મોટા ઘેટાંઓના મોત નીપજ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે બી આસોદરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































