બગસરા શહેરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં જાણે દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ શેરીએ-ગલીએ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે. લોકોમાં ચર્ચા છે કે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂર નથી, કારણ કે બુટલેગરોએ બગસરાના ખૂણે-ખૂણે ‘બાર’ જેવો માહોલ ઉભો કરી દીધો છે. શહેરના અમરપરા, પાળા પાસે, રેલવે સ્ટેશન, હુડકો વિસ્તાર અને અમરેલી રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં બુટલેગરોએ સરકારી જમીનો પર દબાણ કરી દીધું છે. પાનના ગલ્લાની આડમાં ચાલતા આ દારૂના અડ્ડાઓ પર નશાખોરોની ભીડ જામતી હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય જનતાને દેખાતા આ અડ્ડાઓ પોલીસને કેમ દેખાતા નથી? શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? વધુ પડતી અવરજવર વાળા વિસ્તારોમાં દારૂનું વેચાણ થતું હોવાથી રાહદારીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દારૂ પીધા પછી બેફામ બનેલા પ્યાસીઓ રસ્તા પર ધમાલ મચાવે છે અથવા નશામાં ધુત થઈને રોડ પર જ સુતેલા જોવા મળે છે. જેના કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે.આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ હપ્તાઓના દબાણ નીચે દબાયેલી પોલીસ બુટલેગરો સામે આંખ આડા કાન કરી રહી છે.
પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર જ દૂર દારૂનુ કટીંગ
લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર દૂર પંખીઘર શાળા પાસે, મહાદેવના મંદિર નજીક દેશી દારૂની કટીંગ થઈ રહ્યુ છે. બાવળકની કાંટમાં દેશી દારૂની પુષ્કળ પ્રમાણ કોથળીઓ જોવા મળી રહી છે. મંદિર અને શાળા નજીક દેશી દારૂનું કટીંગ થતુ હોવાથી સનાતનીઓમાં ભારે આક્રોશ છે તો વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. જો બગસરામાં દેશી દારૂનું વેચાણ બંધ નહી થાય તો જાગૃત નાગરિકો દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરી કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ ન સુધરી
થોડા વર્ષ પહેલા બોટાદમાં દેશી દારૂ પીવાથી અનેક મોત થયા હતા જેથી રાજય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરી દેશી દારૂના અડ્ડા બંધ કરાવી દીધા હતા. જો કે સમય જતા પોલીસની ઉપરની આવક બંધ થઈ રાજય સરકારને અંધારામાં રાખી ફરી છાનેખૂણે દેશી દારૂનું વેચાણ શરૂ કરવા માટે બુટલેગરોને લીલીઝંડી આપી હતી અને હવે ‘હપ્તો’ વધારી બુટલેગરોને છડે ચોક દારૂ વેચવાની મંજૂરી આપી દીધી હોય તેમ છેડે ચોક દેશી દારૂ વેચાઈ રહ્યો છે.
પ્યાસીઓ પકડાય છે બુટલેગરો પકડાતા નથી
બગસરા શહેરમાં દેશી દારૂનુ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે ત્યારે પોલીસ માત્ર દારૂડીયાઓને પકડી કામગીરી કરવાનો સંતોષ માને છે પરંતુ દારૂ ક્યાથી આવે છે તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. પોલીસ બુટલેગરોને છાવરતી હોવાથી બુટલેગરો બેરોકટોક દેશી દારૂ શહેરમાં ઘુસાડી રહ્યા છે.
થોડા સમય માટે દારૂ બંધ થયા બાદ ફરી દારૂનું ધૂમ વેચાણ
બગસરા શહેરમાં થોડા દિવસો પહેલા દારૂ મળતો સદંતર બંધ થઈ જતા પ્યાસીઓ બેબાકળા બની ગયા હતા. લોકોએ પણ પોલીસની કડક કામગીરીને વખાણી હતી પરંતુ હાલ શહેરમાં ગલી ખુણે બેફામ દારુનુ વેચાણ થઈ રહ્યુ છે.
પીઆઈ,પીએસઆઈ હોવા છતાં દારૂડીયા સામે કોઈ કામગીરી નહી
બગસરા પોલીસ સ્ટેશનમાં પીઆઈની સાથે પીએસઆઈ પણ ફરજ બજાવે છે. આમ છતાં પોલીસ પેટ્રોલીંગ યોગ્ય રીતે ન થતુ હોવાથી બુટલેગરો પોલીસનો કંઈ જ ડર વગર બેફામ દારૂ વેચી રહ્યાં છે. પીઆઈ, પીએસઆઈ ધરાવતું પોલીસ સ્ટેશન ‘ ભગવાન’ ભરોસે ચાલી રહ્યુ છે. પોલીસની જા આવી ઢીલી નિતી રહી તો શહેરનની તમામ ગલીઓમાં દેશી દારૂના અડ્ડા ધમધમવા લાગશે.








































