રાજુલાના મોરંગી ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી. તું કેમ અમારા દીકરાને હેરાન કરે છે કહેતા મુંઢમાર મારીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કનુભાઇ પ્રાગજીભાઇ વીસા (ઉ.વ.૪૦) એ મહેશભાઇ રમેશભાઇ સોલંકી, મુકેશભાઇ રમેશભાઇ સોલંકી તથા રમેશભાઇ પુંજાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો દીકરો પ્રકાશભાઇ તથા જગુભાઇ સોલંકીનો દીકરો આયુષ અને આયુષના કાકાનો દીકરો ત્રણેય તેના ઘરની બાજુમાં આવેલ નદીમાં બકરા ચરાવતા હતા અને નદીમાં નહાતા હતા. આ વખતે મહેશભાઈ સોલંકી ત્યાંથી નીકળેલ અને આયુષ તથા તેના કાકાનો દીકરો રાડો પાડતાં હતા જેથી તેમણે તેના દીકરા પ્રકાશને કહેવા લાગેલ કે ‘તું કેમ અમારા દીકરાને હેરાન કરે છે.’ તેમ કહી ઉશ્કેરાઇ જઇ તેના દીકરા પ્રકાશને શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર મારી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. તેમજ તેના દીકરા પ્રકાશને સારવારમાં લઇ જતાં હતા તે વખતે ‘તમે અમારા ઉપર ફરિયાદ કરશો તો તમારા ટાંટીયા ભાંગી નાખીશું’ તેવી ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.






































