ગોંડલ અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગ ૧૦ વર્ષથી કાર્યરત છે. જેમાં દરરોજના ૪૫-૫૦ દર્દીઓ સારવાર માટે આવતા હતા. પરંતુ દર્દીઓની સુવિધામાં વધારો થાય તે માટે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, અશોકભાઈ પીપળીયા, સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા સરકારને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે સરકાર તરફથી હકારાત્મક જવાબ મળતા તાત્કાલિક ફીઝિયોથેરાપી વિભાગની જગ્યાને વધારવાની મંજૂરી આપતા દર્દીઓની સુવિધામાં વધારો થયો હતો. ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ જિલ્લાના RDD ડો.ક્રિષ્નાબેન હરીયાણી, ઈન્ચાર્જ સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. માલાબેન પુંજાણીના માર્ગદર્શન હેઠળ આધુનિકીકરણ સાથે આધુનિક સાધનોથી સજ્જ, દર્દીઓને બેસવા માટે સુવિધા, વ્હિલચેર, RO ફિલ્ટર પાણી, ઈન્વરટર, દર્દીઓ માટે આરામદાયક વાતાવરણ ઊભું કરી દર્દીઓની સારવારને વધુ સચોટ બનાવવા તથા સામાન્ય જનતાને ઉચ્ચ સ્તરની ફિઝિયોથેરાપી સેવાઓ વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ વિભાગને વધુ કાર્યક્ષમ બનાવામાં આવ્યો છે.







































