(ગતાંકથી ચાલુ)
જસ્ટિસ પાર્ટી-દ્રમુક પછી બ્રાહ્મણ વિરોધી રાજકીય પક્ષોની અને સંસ્થાઓની સમય રેખા જોઈએ.
૧૯૫૭માં આંબેડકરે રિપબ્લિકન પાર્ટી આૅફ ઇન્ડિયા બનાવી. આંબેડકરને હરાવનાર નહેરુની કાંગ્રેસ હતી. નહેરુ અનામતના વિરોધી હતા. ઈ. સ. ૧૯૭૨માં દલિત પેન્થર પાર્ટી સ્થપાઈ.
૧૯૭૮માં કાંશીરામનું બામસેફ અને દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ (ડીએસ-૪) સંગઠન આવ્યું. કાંશીરામે ત્યારે સૂત્ર આપ્યું હતું, “બ્રાહ્મણ, બનિયા, ઠાકુર ચોર, બાકી સબ હૈ ડીએસ-ફાર”, પરંતુ કાંશીરામ સામે કોઈ પગલાં ન લેવાયા.
ઈ. સ. ૧૯૭૮માં ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની જનતા પક્ષની સરકાર જેને જનસંઘ (ભાજપ)નો ટેકો હતો, તેણે બક્ષીપંચની ભલામણો અમલમાં મૂકી ઓબીસીને અનામત આપી હતી.
ઈ. સ. ૧૯૭૯માં જનસંઘ જેમાં ભળી ગયો હતો તે જનતા પાર્ટીની મોરારજી દેસાઈ સરકારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (ઓબીસી) માટે બી. પી. મંડળના
નેતૃત્વમાં મડલ આયોગની રચના કરી હતી. ઈ. સ. ૧૯૮૦માં સોંપેલા અહેવાલમાં તેમણે ઓબીસી માટે ૨૭ ટકા અનામતની રચના કરી હતી પરંતુ આ રિપાર્ટ ૧૯૯૦ સુધી ધૂળ ખાતો રહ્યો હતો.
માધવસિંહ સોલંકીએ ઈ. સ. ૧૯૮૧માં ઓબીસી માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી. બક્ષીપંચ પછી ગોપાલકૃષ્ણ પંચ અને રાણે પંચ નિમાયા. માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થિયરી આપી, આનાથી રાજકારણમાં જાતિવાદને મેઇનસ્ટ્રીમ કર્યો. એટલે કે રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રીય પક્ષ મનાતા કાંગ્રેસે જાતિવાદી રાજકારણનો આશ્રય લેવાનું શરૂ કરી દીધું, આથી બસપા, સપા, રાજદ જેવા ભવિષ્યમાં બનનારા પક્ષોને દિશા મળી ગઈ.
ઈ. સ. ૧૯૮૪માં કાંશીરામ-માયાવતીનો બહુજન સમાજ પક્ષ બન્યો.
ઈ. સ. ૧૯૮૯માં તમિળમાં પીએમકે પક્ષ બન્યો. તો આ જ વર્ષે ઉપ્રની ચૂંટણી પહેલાં કાંશીરામ (બસપા)એ સૂત્ર આપ્યું- તિલક તરાજુ ઔર તલવાર, ઇન કો મારો જૂતે ચાર. પેરિયાર પછી કાંશીરામે આ સૂત્ર આપી ઉચ્ચ જ્ઞાતિઓ વિરુદ્ધ હિંસા અને ઘૃણા ફેલાવવાનું કાર્ય કર્યું. તેમણે ‘મનુવાદ’ શબ્દ પણ આપ્યો જે આજે બ્રાહ્મણોના અને સંઘ-ભાજપના વિરોધમાં બહુ વપરાય છે.
ઈ. સ. ૧૯૯૦માં વી. પી. સિંહે મંડલ કમિશનની ભલામણો અમલમાં મૂકી જાતિવાદી રાજકારણને ઉત્તેજન આપ્યું.
ઈ. સ. વી. પી.ના જનતાદળમાંથી ચંદ્રશેખરે જનતા દળ (સોશિયાલિસ્ટ) બનાવ્યો.
મુલાયમસિંહ યાદવે ઈ. સ. ૧૯૯૨માં સમાજવાદી પક્ષ બનાવ્યો.
ઈ. સ. ૧૯૯૨માં પંજાબની વિધાનસભા ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળે બહિષ્કાર કર્યો હતો ત્યારે બસપાને ૯ બેઠકો મળી હતી અને તે મુખ્ય વિપક્ષ બની ગયો હતો.
ઈ. સ. ૧૯૯૪માં જ્યાર્જ ફર્નાન્ડિઝ અને નીતિશકુમારની સમતા પાર્ટી બની.
ઈ. સ. ૧૯૯૬માં ચૌધરી દેવી લાલે ઇડિયન નેશનલ લોક દળ બનાવ્યું. દેવીલાલ જાટ રાજકારણના નેતા હતા.
ઈ. સ. ૧૯૯૭માં લાલુ પ્રસાદ યાદવે રાષ્ટ્રીય જનતા દળ બનાવ્યું. તે પહેલાં તેમણે બિહારની ચૂંટણીમાં સૂત્ર આપ્યું હતું- ભૂરા બાલ સાફ કરો. આનો અર્થ થાય છે- ભૂ એટલે ભૂમિહાર, રા એટલે રાજપૂત, બા એટલે બ્રાહ્મણ અને
લ એટલે લાલા (વાણિયા).
ઈ. સ. ૧૯૯૮માં અજિતસિંહનું રાષ્ટ્રીય લોક દળ બન્યું. તે પણ જાટ રાજકારણ કરતું હતું.
ઈ. સ. ૧૯૯૯માં એચ. ડી. દેવગોડાએ જનતા દળ (સે) બનાવ્યો.
ઈ. સ. ૨૦૦૦માં રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી બનાવી.
ઈ. સ. ૨૦૦૩માં નીતિશકુમારનો જદ (યુ) બન્યો. ૨૦૦૭માં નીતિશકુમારે તો મહા દલિત શ્રેણી જોડી દીધી. આમ, જ્ઞાતિવાદી રાજકારણ આગળ વધતું જ ગયું.
ઊંચનીચ દલિતોની પેટા જ્ઞાતિઓમાં પણ છે. પરંતુ એટ્રાસિટી અધિનિયમ અને યુજીસીના નિયમો માત્ર સવર્ણ જ્ઞાતિઓને જ દોષી ઠેરવે છે. જ્યારે બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિયોને જાતિસૂચક અપમાનજનક શબ્દ કહેવાથી કોઈ તકલીફ નથી. તેમને મારી નાખવાનાં સૂત્રો પણ પોકારાયાં છે. નોંધનીય છે કે જેમ-જેમ અનામત વધતી ગઈ તેમ-તેમ દલિતોમાં બ્રાહ્મણ વિરોધ વધતો ગયો છે. હિન્દુ વિરોધ વધતો ગયો છે. તો બીજી તરફ, સવર્ણ તરફી લોકો કહે છે કે આ સમસ્યા અંગ્રેજોના કારણે જ આવી અને હવે ભેદભાવ બિલકુલ નથી, તે પણ સાચું નથી. ગામડાંઓમાં હજુ પણ દલિત વિરોધ પ્રવર્તે છે. તેમને વરઘોડાઓ પોલીસ સુરક્ષા વચ્ચે કાઢવા પડે છે. સાફા નહીં પહેરવા, મૂછ નહીં રાખવા, કૂવામાંથી પાણી નહીં લેવા દેવા જેવા ભેદભાવોનો સામનો કરવો પડે છે. જોકે આ બધામાં બ્રાહ્મણો કેટલા સહભાગી હોય છે અને ઓબીસી જ્ઞાતિના લોકો કેટલા, તે ખરેખર તપાસનો વિષય છે. એ પણ અટલ સત્ય છે કે દલિતોનું હિત હિન્દુ સમાજ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. કટ્ટર મુસ્લિમોની જિહાદનો ભોગ માત્ર સવર્ણ હિન્દુઓ જ નથી બનતા, જય ભીમ-જય મિમ સૂત્રમાં માનનારા દલિતોને પણ બને છે.
૧. ઉત્તર પ્રદેશના દેવબંધમાં ૬ જુલાઈ ૨૦૨૫એ દલિતોનો વરઘોડો મસ્જિદ પાસેથી નીકળી રહ્યો હતો ત્યારે મુસ્લિમ સમુદાયે તેના પર આક્રમણ કર્યું. તેમાં અનેક લોકો ઘાયલ થયા.
૨. ઉપ્રમાં સમાજવાદી પક્ષના મુસ્લિમ ધારાસભ્ય શહજીલ ઈમામે દલિત સમુદાયના તેના ડ્રાઇવર ધર્મેન્દ્રને ઢોર માર માર્યો. જાતિસૂચક શબ્દો પણ કહ્યા. જીવ લેવાની ધમકી આપી. કારણ એ હતું કે ધર્મેન્દ્ર ગાડી બરાબર સાફ નહોતો કરતો.
૩. હરિયાણાના નૂહ જિલ્લામાં ૧૭ એપ્રિલ ૨૦૨૪ના દિને ટ્યૂબવેલ પર દલિત મહિલાઓ પાણી ભરી રહી હતી ત્યારે મુસ્લિમ મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કહ્યું કે પાણી ભરવાની આ જગ્યા તેમની છે. આ હિંસામાં મુસ્લિમ પુરુષો પણ જોડાયા હતા.
૪. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના પીપલસાનાના મુસ્લિમ કેશ કર્તનકારે દલિતોના વાળ કાપવાની ના પાડી દીધી હતી.
૫. કેરળમ્‌ ના મલ્લપુરમ્‌ જિલ્લામાં ૧૭ જાન્યુઆરી ૨૦૨૦એ મુસ્લિમોના વર્ચસ્વવાળી ચેરુકુન્નુ એસસી કાલોનીમાં ૨૨ દલિત પરિવારોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. મુસ્લિમ પરિવાર ત્યાં પાણી પૂરું પાડતો હતો. તેણે આ દલિત પરિવારોને પાણી પૂરું પાડવાની ના પાડી દીધી કારણકે તેમાંના ત્રણે નાગરિકત્વ સુધારા અધિનિયમ (સીએએ)ને સમર્થન કરતા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ સિવાય દલિતોને મકાન વેચવા દબાણ કરવું, તેમની દીકરીઓ પર બળાત્કાર, બળજબરીથી નિકાહ, તેમના પંથાંતરણ વગેરેના તો અનેક કિસ્સાઓ છે. પાકિસ્તાનમાં મુસ્લિમોના અત્યાચારોનો સૌથી વધુ ભોગ દલિતો જ બન્યા છે. જોગેન્દ્રનાથ મણ્ડલ મુસ્લિમ લીગ તરફે હતા. તેઓ બંગાળથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને બનાવવા ખાતર પાકિસ્તાનમાં તેમને કાયદા અને શ્રમ પ્રધાન પણ બનાવાયા. પરંતુ ત્યાં તેમણે જોયું કે મુસ્લિમો દલિતો સામે હિંસા કરે છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહે છે. આ કારણે તેઓ ઈ. સ. ૧૯૫૦માં ભારત પરત ફરી ગયા. બ્રાહ્મણોના વિરોધમાં અને દલિતો માટે ઈ. સ. ૧૯૬૮માં રામસ્વરૂપ વર્માએ ઉત્તર પ્રદેશમાં અર્જક સંઘની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ રામાયણ, મહાભારત અને મનુસ્મૃતિને સંપૂર્ણ ફગાવી દીધાં હતાં. તે મૂર્તિપૂજાનો વિરોધી હતી અને લગ્નવિધિ બ્રાહ્મણોના હાથે, અગ્નિના ફેરા ફરીને કરવામાં નહોતો માનતા. ઈ. સ. ૧૯૯૮માં રામસ્વરૂપ વર્માના અવસાન સાથે આ સંસ્થા નબળી પડી ગઈ. હિન્દુઓમાં બ્રાહ્મણોનો વિરોધ થાય છે તેટલો મુસ્લિમ અને ખ્રિસ્તીઓની ઉચ્ચ જાતિઓનો નથી થતો. મુસ્લિમોમાં પણ અશરફ ઊંચી જ્ઞાતિના ગણાય છે. તેમાં સૈયદ, શૈખ, મોગલ અને પઠાણ એ પેટા જાતિઓ છે. આ મુસ્લિમો મૂળ મુસ્લિમ ગણાય છે જ્યારે અજલફ જે હિન્દુઓની નીચલી જાતિમાંથી વટલાયા છે તેમને ગણવામાં આવે છે. જોકે એ અલગ વાત છે કે અશરફ પણ ઇસ્લામની સ્થાપના પછી મુસ્લિમ બન્યા. ખ્રિસ્તીઓમાં પણ સિરિયન ખ્રિસ્તી, દલિત ખ્રિસ્તી છે અને તેમાંય આંતરજ્ઞાતીય લગ્નો ઓછાં થાય છે. ઇન્ડીયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ પ્રમાણે, સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો બ્રાહ્મણોમાં થાય છે. એમ છતાં આઈએએસ અધિકારી સંતોષ વર્મા કહે છે કે “જ્યાં સુધી બ્રાહ્મણ પરિવાર તેમની દીકરી મારા દીકરાને ન આપે અથવા તેની સાથે સંબંધ ન બનાવવા દે ત્યાં સુધી અનામત મળતી રહેવી જોઈએ.” આવાં નિવેદનોથી દલિત-સવર્ણ ખાઈ વધુ પહોળી બને છે. સરકાર એસ. સી. સમુદાયના યુવક કે યુવતીને એસ. સી. સિવાયની જ્ઞાતિના યુવતી/યુવક સાથે લગ્ન કરવા માટે રૂ. ૫૦,૦૦૦થી લઈને રૂ. અઢી લાખ આપે છે ! દરેક જ્ઞાતિના લોકો પોતાની દીકરી સમ રિવાજો અને સમસંસ્કૃતિ, સમ ભાષાવાળા પરિવારમાં જાય તેવું ઇચ્છતા હોય છે. આથી તેઓ પોતાની જ્ઞાતિ, અરે તેમાંય પેટા જ્ઞાતિ અને તે પણ એક જ શહેર/આજુબાજુના ગામમાં પરણાવવા ઇચ્છતા હોય છે. પ્રેમ વશ કે પરિવારોની સમજૂતીથી આંતરજ્ઞાતીય લગ્નો ખોટાં નથી પરંતુ તેને થોપવાં કેટલાં યોગ્ય?
૧૯૫૦થી દસ વર્ષ માટે એસ. સી. – એસ. ટી. માટે અનામત આપવાની હતી, પછી સમીક્ષા કરવાની હતી (આ જોગવાઈ બાબાસાહેબ આંબેડકરે સ્વયં કરી હતી), પરંતુ તે પછી તેમાં ઓબીસીની થોડી જાતિનો સમાવેશ કરાયો. તે પછી મતો મેળવવા માટે જાતિઓ ઉમેરાતી જ ગઈ. તેમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની અંદરની નીચલી જાતિઓ પણ ભળી ! અર્થાત્ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આક્ષેપ કર્યો હતો કે કર્ણાટકમાં કાંગ્રેસ સરકારની કૃપાથી ઓબીસીના અધિકારો પર મુસ્લિમ જાતિઓનું અતિક્રમણ થયું. પરંતુ શું ભાજપની સરકારોમાં આ અતિક્રમણ નથી? એ પણ વિચારવું જોઈએ કે આ બધાથી શું સામાજિક ભેદભાવો મટ્યા? કે વધ્યા? એટ્રાસિટીની ફરિયાદો ઘટી કે વધી? બ્રાહ્મણ વિરોધ ઘટ્યો કે વધ્યો? હિન્દુ વિરોધ ઘટ્યો કે વધ્યો? આ એક બાબતે નહેરુ સાચા હતા. મુસ્લિમ મત બૅંકના તુષ્ટિકરણના રાજકારણને ફગાવવાનું સાહસ નરેન્દ્ર મોદી કરી શક્યા છે, શું જાતિવાદી મત બૅંકના તુષ્ટિકરણને ફગાવી શકશે? કથિત સવર્ણોએ દલિતોને અનામતનો વિરોધ નથી કર્યો. અનામતનો વિરોધ ઈ. સ. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીએ ઓબીસીમાં જાતિઓ વધારી ત્યારે થયો. અનામતનો વિરોધ ઈ. સ. ૧૯૮૯માં વી. પી. સિંહે ઓબીસીને અનામત આપી ત્યારે થયો. ૨૦૧૨માં જ યુજીસીએ જ્ઞાતિ આધારિત ભેદભાવો દૂર કરવા નિયમો બનાવ્યા ત્યારે વિરોધ નહોતો થયો તો પછી ૨૦૨૬માં કેમ વિરોધ થાય છે? કારણકે તેમાં માત્ર દલિત-સવર્ણની વાત નથી, તેમાં પુરુષ-મહિલા, દિવ્યાંગ-સબલાંગ, દલિત-ઓબીસી, ઓબીસી-સવર્ણના ભેદભાવ પણ ઊભા થશે તો શૈક્ષણિક કાર્ય સવર્ણ/પુરુષ/સંપૂર્ણાંગ પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ડરતા-ડરતા રહેવું નહીં પડે? અને ઉચ્ચ જાતિ/પુરુષ/સબલાંગ વિરુદ્ધ કંઈ પણ અપમાનજનક બોલાય ત્યારે તે ક્યાં ફરિયાદ કરવા જશે? કાલેજમાં પ્રેમ પણ થતો હોય અને ઝઘડા પણ થતા હોય. આવું થશે ત્યારે શું આ નિયમોને શસ્ત્ર બનાવાશે તો વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ નહીં જાય? એટ્રાસિટીના કાયદા પછી અને સરકાર/અધિકારીતંત્ર/ન્યાયાલયમાં સ્થાન પામ્યા પછી સામાજિક અન્યાયની વાત હવે એક તરફી નથી રહી. દલિતોમાં કે ઓબીસીમાં અનામત છેવાડા સુધી પહોંચી છે? સર્વોચ્ચ ન્યાયાલયે પણ ક્રીમીલેયરની વાત વારેવારે કરી છે. એટ્રાસિટીના દુરુપયોગની વાત કરી છે. રાજસ્થાનના નરેશ ચમાર નામના દલિત ભાઈએ જ યુટ્યૂબ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે એટ્રાસિટી કાયદાનો દુરુપયોગ થાય છે અને પૈસા પડાવવા માટે તેને શસ્ત્ર તરીકે ઉગામાય છે. દુરુપયોગ કરનારા સામે કોઈ જોગવાઈ કેમ નથી? દલિતોની રાજનીતિ કરનારા પક્ષોએ દલિતોનો ઉદ્ધાર કર્યો છે ખરો? લાલુ યાદવના શાસનમાં દલિતોની હત્યાઓના કાંડ થયા તેમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા અને તે સમયે ન બિહારની સરકારે, ન યુપીએ સરકારે સમીક્ષા માટે ઉપલા ન્યાયાલયમાં અપીલ કરી. રાજસ્થાનમાં કાંગ્રેસ શાસનમાં પણ આવું જ હતું અને (અખંડ) આંધ્ર પ્રદેશમાં કાંગ્રેસના શાસનમાં પણ થયું હતું. માયાવતીએ મુખ્ય પ્રધાન તરીકે તથાકથિત ભ્રષ્ટાચાર, પૂતળાં બનાવવાં અને વૈભવી રીતે જન્મદિન ઉજવવા ઉપરાંત ખાસ કંઈ ઉપલબ્ધિ મેળવી હતી? અખિલેશ યાદવ, લાલુપ્રસાદ યાદવ, દેવીલાલ, ચૌધરી અજિતસિંહ, રામવિલાસ પાસવાન, શરદ પવાર આ બધા નેતાઓએ દલિત/ઓબીસી રાજકારણના નામે પરિવારને જ સમૃદ્ધ કર્યો. ઓવૈસી બધુ એ જ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સૂત્ર (છેલ્લા કેટલાક સમયથી તેઓ માત્ર દલિત-ઓબીસી-આદિવાસી-મહિલાઓની વાત કરે છે તેનો હવે વિરોધ થાય છે) રાજકારણની રીતે પણ સાચું છે. આની સમજ માયાવતી કરતાં બીજા કોને હશે? ૨૦૦૭માં તેમને સમજાઈ ગયું કે બ્રાહ્મણોના સાથ વગર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નહીં જીતી શકાય. આથી ૧૯૮૯માં ‘તિલક તરાજુ..’ સૂત્ર આપનાર બસપનું ૨૦૦૭માં સૂત્ર હતું, ‘હાથી નહીં, ગણેશ હૈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ હૈ’. આ જ કારણે તેઓ ૨૦૦૭માં સત્તા પર આવ્યાં હતાં. ૨૦૨૭ની ચૂંટણી પણ તેઓ બ્રાહ્મણોના સાથ સાથે લડવા માગે છે. જય ભીમ-જય મિમની વાત છે ત્યાં સુધી, તાજેતરમાં મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં તો સ્પષ્ટ દેખાયું કે ઓબીસી સમુદાયના જિતેન્દ્ર આવ્હડેએ મુસ્લિમ તુષ્ટિકરણમાં સીમા વટાવી દીધી હતી પરંતુ જ્યારે મુસ્લિમ મતદારોને વધુ કટ્ટર વિકલ્પ સહર શૈખના રૂપમાં મળ્યો તો તેમને જીતાડી દીધાં અને ‘કૈસા હરાયા’નો ટોણો મારનારાં સહર શૈખ હવે મુંબ્રાને લીલા રંગથી રંગી નાખવા માગે છે ! ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે તેમજ સર્વોચ્ચ ન્યાયાલયે ૧૯ માર્ચ સુધી સ્થગન આદેશ આપ્યો હોવાથી યુજીસીના નિયમોનો મુદ્દો અત્યારે શાંત છે, પરંતુ પછી કેટલો શાંત રહેશે તે કળવું અઘરું છે. આ નિયમો લાવી મોદી સરકારે પગ પર કુહાડી મારી છે. હિન્દુત્વના વેગ પકડેલા પ્રવાહને રોકવાનું કામ કર્યું છે. હિન્દુઓને જલદીથી ન એક કરી શકાય તે રીતે વિભાજીત કરી દીધા છે, તે કટુ સત્ય છે. આ વિભાજન આમ ને આમ સુદૃઢ થતું રહ્યું તો સંઘના સો વર્ષના પરિશ્રમ પર પાણી ફરી વળશે.