સાવરકુંડલાની એક પરિણીતા પર રાજકોટમાં સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો હતો. “તારા પિયરવાળાએ કોઈ કામકાજ શીખવાડ્‌યું નથી,” તેમ કહી પતિ, સાસુ અને સસરાએ ત્રાસ આપ્યો હતો. સાસરિયાંના ત્રાસથી કંટાળી પિયર આવીને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભાવિકાબેન ભદ્રેશભાઇ કારેલીયા
(ઉં.વ. ૪૦)એ રાજકોટમાં રહેતા પતિ લલિતભાઇ કાંતિભાઇ મકવાણા, સસરા કાંતિભાઇ કેશુભાઇ મકવાણા તથા સાસુ મંગળાબેન કાંતિભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, પતિ તથા સાસુ-સસરા તેમને હેરાન-પરેશાન કરતા હતા. તેમજ “તને કોઈ કામકાજ આવડતું નથી, તારા પિયરવાળાઓએ કોઈ કામકાજ શીખવાડ્‌યું નથી અને તને કરિયાવરમાં કાંઈ આપેલ નથી,” તેમ કહી મેણાં-ટોણાં મારી શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. પતિ ઢીકાપાટુનો મૂઢમાર મારતો અને જેમ ફાવે તેમ ગાળો આપતો હતો. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.