જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મોરવાડા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને જળવ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા અને ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ માટે અસરકારક આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ચેકડેમ ઊંડા ઉતારવા, ખેત તલાવડીઓનું નિર્માણ અને બોર રિચાર્જ જેવી કામગીરીથી જળસંચયને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં” રોકવાનો સંકલ્પ જ ભવિષ્યની જળસુરક્ષાનો આધાર છે. બેઠકમાં સરપંચ દુર્લભભાઈ કાપડીયા સહિત ગામના આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી જળસંચયના આ ભગીરથ અભિયાનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું.