ગોંડલ શહેરમાં છેલ્લા ૭૪ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ફાગણ સુદ પૂનમના રોજ દેવપરા ગ્રુપ દ્વારા તાલુકા શાળાના મેદાનમાં ભવ્ય હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શહેરની સૌથી મોટી હોળી માનવામાં આવે છે, જેમાં આશરે ૨૫,૦૦૦ જેટલા છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આર્ય સમાજ દ્વારા પવિત્ર વૈદિક હવનની ઔષધિઓ પણ હોળીમાં અર્પણ કરવામાં આવશે. આયોજક જયસુખભાઈ વઘાસિયા, જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓને શ્રીફળ અને ઘૂઘરીનો પ્રસાદ વહેંચવામાં આવશે. સાથે જ ગોલ્ડન ગ્રુપ દ્વારા મનોહર ‘ફુલફાગ મહોત્સવ’નું પણ વિશેષ આયોજન કરાયું છે.







































