ગીર સોમનાથ જિલ્લામાં ૧૭ કરોડની સરકારી જમીન પર દબાણ ખુલ્લું કરાયું હતું અને ૨ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભૂમાફિયા પર અંકુશ લાવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૨૦ લાગુ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લામાં સરકારી તથા ગૌચરની જમીનોમાં જુદા જુદા ઈસમો દ્વારા દબાણો કરવામાં આવેલ હોય, સબંધિત મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણદારો સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ કુલ-૧૪ સુઓમોટો અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ દબાણદારો ઉપર લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ અરજી થતા કુલ-૧૨ દબાણદારોએ કુલ ૯૧૭૪૦ ચો. મી. સરકારી / ગૌચરની જમીનો ઉપરના દબાણો સ્વેચ્છાએ ખુલ્લા કરાવ્યા હતા. જેની અંદાજીત બજાર કિંમત રૂ.૧૭ કરોડ જેટલી થાય છે. જયારે ૨ દબાણદારોએ સરકારી જમીનો ઉપરના દબાણો ખુલ્લા ન કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવા નિર્ણય કરાયો હતો.