ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. ભક્તો પોતાના ઘરમાં અને પંડાલોમાં વિ.હર્તા દેવ શ્રી ગણેશજીની સ્થાપના કરવા માટે આતુરતાથી તૈયારીઓ કરી રહ્યા છે. આ વર્ષે ગણેશ મૂર્તિઓના બજારમાં એક નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંપરાગત કલર અને ડિઝાઇનની જગ્યાએ લોકો હવે યુનિક કન્સેપ્ટ, આધુનિક કલર ટોન અને પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ તરફ વધુ આકર્ષાયા છે.
છેલ્લા ૧૦ વર્ષથી ગણેશ મૂર્તિ નિર્માણ અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા મૂર્તિકાર પ્રતીક ઝવેરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગણેશ ભક્તોમાં વન ટોન એટલે કે એક જ કલરની મૂર્તિઓનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. લોકો હવે દર વર્ષે કંઈક નવું અને અલગ ઇચ્છે છે. શ્રદ્ધાળુઓની આ પસંદગીને ધ્યાનમાં રાખીને આ વખતે બજારમાં ખાસ પ્રકારની કલર વેરાયટી લાવવામાં આવી છે. જેમાં રેડ (લાલ), પર્પલ (જાંબલી), પિંક (ગુલાબી) અને બ્લેક (કાળો) જેવા અનોખા કલર શેડ્સ ધરાવતી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અને તેમની પસંદગી મુજબ તેમને આકર્ષવા માટે દર વર્ષે નવા અપડેટ્સ આપવા જરૂરી બની જાય છે.
પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધતા હવે ભક્તોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનો આગ્રહ પણ વધ્યો છે. આ વર્ષે કાગળના માવામાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓની ભારે માંગ છે. આ મૂર્તિઓ વજનમાં હલકી, ટકાઉ અને સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ હોય છે. કાગળની સાથે સાથે ૨.૫ ફૂટ સુધીની નાની ગણેશજીની મૂર્તિઓ માટે શુદ્ધ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મૂર્તિ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને મહેનત માંગી લે તેવી હોય છે. મૂર્તિ બનવાનો સમય તેની સાઈઝ અને મટિરિયલ પર આધાર રાખે છે. મૂર્તિની કાચી રચના (બેઝ) તૈયાર કરવામાં જ મિનિમમ ૧૦ થી ૧૫ દિવસનો સમય લાગે છે. કાચી મૂર્તિ સુકાયા બાદ તેના પર કલર કામ, ફિનિશિંગ, એસેસરીઝ અને ડીટેલિંગ વર્ક કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં બીજા ૧૦ થી ૧૫ દિવસ જેટલો સમય લાગે છે. આમ, એક સુંદર અને ફિનિશિંગ વાળી મૂર્તિ તૈયાર થતાં મિનિમમ ૨૦ થી ૩૦ દિવસની મહેનત લાગે છે.
બજારમાં દરેક વર્ગના ભક્તો અને બજેટને ધ્યાનમાં રાખીને મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સામાન્ય અને નાની મૂર્તિઓ રૂપિયા ૮૦૦ થી શરૂ થાય છે, જ્યારે કાગળ, માટી, યુનિક કલર અને વિશિષ્ટ ડીટેલિંગ ધરાવતી મોટી અને ભવ્ય મૂર્તિઓની કિંમત રૂપિયા ૧ લાખ સુધી જાય છે. શ્રીજીની મૂર્તિઓમાં જોવા મળતો આ નવો બદલાવ અને યુનિક કલર કન્સેપ્ટ આ વખતે ગણેશોત્સવની રોનકમાં ચોક્કસપણે વધારો કરશે.









































