ખાડી દેશોના પેટાળમાં ખનીજ તેલ છે. ઈરાન પાસે દુનિયાનો સૌથી મોટો ત્રીજા ક્રમનો ક્રુડ ઓઈલ ભંડાર છે. જે દુનિયાના ઘણા દેશોને ઇંધણ પૂરું પાડે છે. અમેરિકાનું ચલણ ડોલર છે, જેમાં દુનિયાભરના આર્થિક વ્યવહારો થાય છે. આ બંને સામસામા છેડાની બાબત છે. માલ એક પક્ષ પાસે છે અને ચલણ પર બીજાનો અંકુશ છે. આ યુધ્ધના ઊંડાણમાં ક્યાંક આ વિરોધાભાસી સમીકરણ પણ પડેલું છે, પણ એ કોઈ નેતાના નિવેદન થકી પૃષ્ટિ પામી શકે તેમ નથી.ઈરાન હોરમુઝની સામુદ્રધુની પર અંકુશ ધરાવે છે જ્યાંથી વિશ્વના ક્રુડ ઓઇલના કુલ જથ્થાનો ૨૦% જેટલો જથ્થો પસાર થાય છે. ઈરાને ચીન સિવાય કોઈ દેશના જહાજો ત્યાંથી પસાર નહિ થવા દેવાની જાહેરાત કરી દીધી છે.કારણકે એકલા ચીને જ ખામેઈનીના મોત અંગે અમેરિકાની વિરુદ્ધનું વલણ લીધું છે. ઈરાન દ્વારા આ માર્ગ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટો અવરોધ ઊભો થવાની અને ઉર્જા બજારમાં ભારે અસ્થિરતા આવવાની શક્યતા છે. ભારતમાં તેની અસરો વર્તવાની શરૂઆત થઇ ગઈ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ કટોકટી વધુ ઘેરી અને ગંભીર બની શકે છે.
આ યુદ્ધ થવાના કારણોમાં ચાર પાંચ કારણો મુખ્ય છે. પહેલું કારણ ઇઝરાયેલ અને ઈરાનની દુશ્મની છે. ખામેઈની ઘણી વખત કહી ચુક્યા હતા કે આ દુનિયાના નકશામાં ઇઝરાયેલ જેવા દેશનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ અમે તેને મિટાવીને રહીશું.ઇઝરાયેલ જેવા આક્રમક દેશ ઈરાન પર હુમલો કરવા માટે આ એક કારણ પણ પુરતું છે. બીજું કારણ છે ઈરાનનો પરમાણું કાર્યક્રમ. અમેરિકાનું દ્રઢ પણે માનવું છે કે ઈરાન જેવા દેશ પાસે પરમાણું બોંબ હોવો આખા વિશ્વ માટે ઘાતક બની શકે છે. જ્યાં ધાર્મિક નેતાનું સીધું શાસન હોય ત્યાં પરમાણું ક્ષમતા હોવી આખા વિશ્વ માટે ખતરો બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફના જણાવ્યા અનુસાર, ઈરાન પાસે હાલમાં ૪૬૦ કિલોગ્રામ સમૃદ્ધ યુરેનિયમ છે. આ જથ્થો૧૧ પરમાણુ બોમ્બ બનાવવા માટે પુરતો છે. ઈરાન પાસે જે યુરેનિયમ છે તે ૬૦% સુધી શુદ્ધ છે. પરમાણુ હથિયાર બનાવવા માટે, યુરેનિયમને ૯૦ ટકા સુધી શુદ્ધ કરવું જરૂરી છે.આ પહેલા ગત વર્ષે પણ અમેરિકાએ ઈરાનના પરમાણું કાર્યક્રમના સ્થળોએ હુમલો કરેલો હતો. ત્રીજું કારણ ચીનની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી આર્થિક તાકાત છે. ચીન અમેરિકાને બધા આર્થિક મોરચે પડકારો આપી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલા અને ઈરાનને ટાર્ગેટ બનાવ્યા છે. ચીન આ બંને દેશો પાસેથી ખુબ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ ખરીદ કરી રહ્યું છે.આ બંને દેશો ચીનને ઓછા ભાવે ક્રુડ ઓઈલ આપી રહયા છે. એ અમેરિકાની ચીન સામેનો વ્યૂહ હોઈ શકે છે. આ બંને હુમલા સીધા ચીન પર હુમલા કહી શકાય. ચોથું કારણ અમેરિકા અયાતુલ્લાહ ખામેઈનીનું કટ્ટરવાદી શાસન ગણાવી રહ્યું છે. ટ્રમ્પ પોતાના નિવેદનોમાં પણ કહી ચુક્યા છે કે ઈરાનમાં શાસન પરિવર્તન પણ અમારો લક્ષ્યાંક છે. વધુમાં એ પણ કહી દીધું છે કે જે શાસન પરિવર્તન થશે એ અમેરિકાની મંજૂરીથી જ થઇ શકશે. હવે અમેરિકાએ લક્ષ્યાંક નિર્ધારિત હુમલો કરીને ખામેઈની સહિત લગભગ બધી રાજકીય, વહીવટી, લશ્કરી તેમજ ધાર્મિક નેતાગીરીને મારી નાખી છે. અમેરિકાએ પોતાનો એક લક્ષ્યાંક પૂરો કરી લીધો છે. પાંચમું કારણ ઈરાનની મિસાઈલ બનાવવાની ક્ષમતા અને તાકાત છે. યુદ્ધની બાબતોના તજજ્ઞોનું એવું માનવું છે કે ઈરાને અમેરિકા સુધી સીધો હુમલો કરી શકાય એ કક્ષાના મિસાઈલ વિકસાવી લીધા છે. અમેરિકા કોઈપણ એવા દેશનું અસ્તિત્વ ન સ્વીકારી શકે જે સીધો લશ્કરી હુમલો અમેરિકા પર કરી શકવાની તાકાત ધરાવતો હોય. અન્ય એક કારણમાં શિયા સુન્ની સંઘર્ષ પણ રહેલો છે. એવું મનાય છે કે ખડી દેશોનો સુપ્રીમ કોણ ? એવા સંઘર્ષમાં સાઉદી અરબ અને ઈરાન વચ્ચે હરીફાઈ હતી અને સાઉદી અરબે અમેરિકાને ઈરાન પર યુદ્ધ કરવા આહવાન કર્યું હોઈ શકે છે.
ઈરાને અમરિકા ઈઝરાયેલના હુમલા બાદ વળતો જવાબ આપવાનું શરુ કર્યું અને એક આત્મઘાતી પગલા રૂપે આસપાસના પાડોશી ખડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને નાગરિકી જગ્યાઓ પર પણ હુમલા કરી દીધા છે. જે કોઈ વખત મુસ્લિમ બ્રધરહૂડના નામે પોતાની પડખે ઉભા રહી શકે તેમ હતા એ બધાને વિરુદ્ધમાં કરી દીધા છે. ઇસ્લામી દુનિયાની એકતાની યોજના, આયોજન અને સપના પર હાલ પુરતું પાણી ફરી વળ્યું છે. આ બંને યુદ્ધ દરમિયાન બની ગયેલા ટૂંકાગાળાના સમીકરણો છે. લાંબાગાળાના કારણો જાણવા, પારખવામાં થોડો સમય લાગશે.
ભારતે આ યુધ્ધમાં તટસ્થ વલણ લીધું છે. ભારત ઈરાનને તો કોઈ કાળે ટેકો કરી શકે નહિ. ભારત પાકિસ્તાન સંઘર્ષમાં ખામેઈનીએ હમેશા પાકિસ્તાનનો પક્ષ લીધો છે. ખામેઈનીએ ઇસ્લામિક દેશોને આહ્વાન કરેલું કે આપણે બધાએ પાકિસ્તાનને મદદ કરીને કાશ્મીરને ભારતથી અલગ કરીને પાકિસ્તાનને સોંપી દેવું જોઈએ. કાશ્મીરમાંથી ધારા ૩૭૦ અને ૩૫એ હટાવવા વખતે પણ એણે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં આ પગલું મુસ્લીમોના દમન માટે થઇ રહ્યું છે. CAA વખતે પણ તેણે ભારત વિરુદ્ધનું નિવેદન આપ્યું હતું.ભારતના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ એક લેખ લખ્યો છે જેમે તેણે ખામેઈનીના નિધન બદલ શોક વ્યક્ત નહિ કરવા બદલ વડાપ્રધાનની ટીકા કરી છે. ખાડીમાં વસતા ૯૦ લાખ ભારતીયોના બદલે માત્ર ખામેઈનીના શોકની ચિંતા કોંગ્રેસને થવી રાષ્ટ્રહિતમાં તો નથી જ. ક્વિક નોટ – ભૂગોળ અને તવારીખ એ ઇતિહાસના સૂર્ય અને ચંદ્ર છે, ઇતિહાસની ડાબી અને જમણી આંખો છે. – રિચર્ડ હેક્યુલ્ટ










































