લીલીયા તાલુકાના કુલ ૫૦ ગામડાઓના હજારો નાગરિકોને હવે ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે
અમરેલી જિલ્લાના વરસડા મુકામે વિકાસના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે અંદાજે રૂ. ૪૨ કરોડના ખર્ચે સાકાર થયેલી ‘ઈશ્વરીયા સુધારણા જૂથ પાણી પુરવઠા’ યોજનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિ રહી હતી. આ યોજના અંતર્ગત અત્યાધુનિક આર.સી.સી સંપ, વોટર ફિલ્ટર પ્લાન્ટ અને પંપ હાઉસ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. જેના સીધા પરિણામ સ્વરૂપે અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ ૫૦ ગામડાઓના હજારો નાગરિકોને હવે ઘર આંગણે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ સાથે જ વરસડા સ્થિત હયાત તળાવના રૂ. ૧૯ લાખના ખર્ચે થનારા રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘પાણીદાર’ વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. એક સમયે ગ્રામીણ વિસ્તારોમાં પાણીની જે વિકરાળ સમસ્યા હતી, તે હવે ભૂતકાળ બની રહી છે અને છેવાડાના માનવી સુધી શુદ્ધ જળ પહોંચાડવામાં સરકાર સફળ રહી છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ ‘જલ જીવન મિશન’ની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે નર્મદાના નીર હવે દરેક ઘર સુધી પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમની સાથે વરસડામાં તાલુકા સેવા સેતુનું પણ આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.









































