ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, પાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની મહેનતથી

અમરેલી શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના અથાગ પ્રયોત્નોથી વિકાસ યોજના મંજૂર થતાં શહેરમાં લાંબા સમયથી અટકેલી બાંધકામ મંજૂરી પ્રક્રિયા હવે ફરી શરૂ થવાની દિશામાં આગળ વધી છે. અમરેલી નગરપાલિકા હદ વિસ્તારમાં નવા વિસ્તારોનો સમાવેશ કરીને શહેરના સુનિયોજિત વિકાસ માટે હાથ ધરાયેલી કાર્યવાહી પૂર્ણતાની નજીક પહોંચતાં નાગરિકો તેમજ બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈઓ તથા સંબંધિત નિયમો હેઠળ અમરેલી વિસ્તાર વિકાસ સત્તા મંડળની ત્રીજી પુનરાવર્તિત વિકાસ યોજનામાં શહેરની જૂની હદ સાથે નવા વિસ્તારોને જોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન નવા બાંધકામ માટે મંજૂરી આપવાની કામગીરી છેલ્લા લગભગ નવ મહિનાથી સ્થગિત રહી હતી. પરિણામે અનેક રહેણાંક અને વ્યાવસાયિક બાંધકામ સંબંધિત અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ વિકાસ યોજના તૈયાર કરી મંજૂરી માટે રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બાંધકામ પરવાનગી મંજૂર થઈ શકે છે. આ માટે અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ, કારોબારી સમિતિના અધ્યક્ષ મૌલિક ઉપાધ્યાય, નગર આયોજન સમિતિના અધ્યક્ષ નિરાલીબેન જાની તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મહેનત કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, ટીપી પ્લાનીંગ અધિકારી રાડીયા, આકાશ વઘાસીયા, નયન જાષી સહિતના અધિકારીઓને પણ પણ વિકાસ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે જરૂરી પ્રયાસો કર્યા હતા.રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયેલી વિકાસ યોજનાને મંજૂરી મળતાં હવે અટવાયેલી અરજીઓના નિકાલનો માર્ગ મોકળો બન્યો છે. શહેરના વિસ્તરણ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ યોજના અમરેલીના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.