અમરેલી જિલ્લામાં વરસાદની ખેંચને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. સમયસર અને પૂરતો વરસાદ ન પડતાં ખેતીના ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. વરસાદના અભાવે પાક મુરઝાઈ રહ્યા હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રની જેમ અમરેલી જિલ્લામાં પણ વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે સૌની યોજનાનું પાણી ચેકડેમો, વોંકળા અને તળાવોમાં છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. સૌની યોજનાની પાઈપલાઈન મારફતે ચેકડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી મળી શકે અને પાકને બચાવી શકાય તેમ તેમણે જણાવ્યું છે.