યોગ શું છે ?: યોગ કેવળ આસન કે પ્રાણાયમ જ નથી. યોગ સંપૂર્ણ જીવન જીવવાની કળા છે. યોગનો અર્થ છે આત્માને પરમાત્મા સાથે જોડવું. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, યોગ કર્મસુ કૌશલમ્..અર્થાત્ કર્મની કુશળતા જ યોગ છે. યોગ એક ચિકિત્સા પધ્ધતિ છે. એટલે જ કહ્યું છે કે, યોગ મટાડે રોગ, કરો યોગ રહો નિરોગ. તો પતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ વિભાગમાં વહેંચી છે.
યોગના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો જોડ અને બીજો સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે.‘યોગ ધર્મ’ આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે.
‘યોગ’ શબ્દ સંસ્કૃત ધાતુ યુજ પરથી નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે ‘જોડવું’ મન અને શરીરને સંવાદી બનાવીને જીવવાની પ્રવિધિને પ્રારંભિક યોગ ગણાવ્યો છે. ભગવદગીતામાં કર્મકુશળતાને યોગ ગણ્યો છે. કેટલાક વિદ્વાનોએ મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ કર્યો છે, ધ્યાનને કેન્દ્રિત કરવાની ક્રિયા.
આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે યોગના આઠ અંગ. પતંજલિએ યોગની બધી વિદ્યાને આઠ યોગમાં વહેંચી દીધી છે. શરૂઆતના પાંચ અંગમાંથી યોગ વિદ્યામાં પ્રવેશની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાંગ મારી સાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગમાં સમેટાયો છે.
આ આઠ અંગ છે (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયમ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ.આ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
– યોગના ફાયદા:
સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. જેમાં ૧૦ મિનિટનો સમય લાગશે.
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.
– બાલાસન: આ આસન કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે અને પેટની ચરબી ઘટે છે. આ આસન કરવા માટે ઘૂંટણના બળે જમીન પર બેસી શરીરનો બધો ભાગ એડી પર નાખો. ઊંડા શ્વાસ લઈ આગળ તરફ નમો. તમારી છાતી જાંઘને અડવી જોઈએ અને તમારા માથા દ્વારા જમીનને ટચ કરવાનો પ્રયાસ કરો. થોડી સેકંડ સુધી આ અવસ્થામાં રહો અને પરત સામાન્ય અવસ્થામાં આવી જાવ.
– ભુજંગાસન: આ આસન શરીરની વધુ પડતી ચરબી ઓછી કરે છે અને શરીરને લચીલું બનાવે છે.ભુજંગને અંગ્રેજીમાં કોબરા કહે છે જે ફેણ ફેલાવતા સાપના આકારનું છે.તેથી ભુંજગાસન કહેવાય છે.આ માટે પેટના બળ પર જમીન પર સૂઈ જાવ. હવે બંને હાથથી શરીરને કમરથી ઉપરની તરફ ઉઠાવો. પણ કોણી વળેલી હોવી જોઈએ. હાથ ખુલા અને જમીન પર ફેલાયેલા હોય. હવે શરીરના બાકી ભાગને હલાવ્યા વગર ચહેરાને એકદમ ઉપર તરફ કરો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહો.
– ઉત્તરાસન: આ આસનનો અભ્યાસ ઉભા રહીને કરાય છે. આ આસનથી માથું કમર અને પગ કરોડરજ્જુના હાડકાની કસરત થાય છે. ઉભા રહીને યોગનો અભ્યાસ કર્યા પછી આ મુદ્રાનો અભ્યાસ કરવો વિશેષ ફાયદાકારક છે. તેને કરવા માટે સીધા ઉભા થઈ જાવ. શ્વાસ લેતા હાથને માથાની ઉપર લઈ જાવ. શરીરને ઉપર ખેંચો. હિપ્સથી શરીરને આગળ તરફ નમાવો. હવે માથું અને ગરદનને આરામની મુદ્રામાં જમીનની તરફ મુકો અને હિપ્સને ઉપર ઉઠાવો. આ સ્થિતિ એક મિનિટ સુધી રાખો.
– ત્રિકોણાસન: શરીરની વધુ પડતી ચરબી ઘટાડવા માટે ત્રિકોણાસન કરો. જે કરવા સીધા ઉભા થઈ જાવ. બંને પગમાં એક મીટરનુ અંતર રાખો. બંને બાજુઓને ખભાથી સીધા રાખો. કમરથી આગળ નમો. શ્વાસ બહાર કાઢો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરો. ડાબા હાથને આકાશ તરફ રાખો. ખભા સીધા રાખો. ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં બે-ત્રણ મિનિટ રહો. હવે શરીરને સીધુ કરો અને શ્વાસ લેતા ઉભા થઈ જાવ.
– પશ્ચિમોત્તાસન: પેટની ચરબી ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે આ આસન. કબજિયાત, અપચો, ગેસ,ઓડકાર અને ડાયાબીટિઝમાં લાભકારી છે. તેને કરવા માટે પગને સામે ફેલાવીને બેસી જાવ હવે હથેળીઓને ઘૂંટણ પર મુકી શ્વાસ ભરતા હાથને ઉપરની તરફ લઈ જાવ અને કમરને સીધી કરી ઉપર ખેંચો. શ્વાસ છોડતા આગળની તરફ નમો અને હાથ વડે પગનો અંગુઠો પકડી માથાને ઘૂંટણ તરફ લગાવો. અહી ઘૂંટણ વળવા ન જોઈએ. કોણીને જમીન પર ટચ કરવાનો પ્રયાસ કરો. આંખો બંધ કરી શ્વાસને સામાન્ય રાખતા થોડીવાર માટે રોકો. પછી શ્વાસ લેતા પરત આવી જાવ.







































