અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક રહેણાંક મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે શિવાભાઇ દડુભાઇ વાવડીયા (ઉ.વ.૩૨)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને ઘરના રૂમનું તાળું તોડ્‌યું હતું. ત્યારબાદ રૂમમાં રાખેલ કબાટનું ખાનું તોડી, તેમાં રહેલી સ્ટીલની પેટીમાંથી સોના તથા ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. જેની અંદાજિત કિંમતઃ રૂ.૬,૭૯,૧૫૦ હતી. ગામડાઓમાં વધતી જતી ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ફાળ પડી છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. ગળચર વધુ તપાસ કરી રહ્યા છે.