અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભયમુક્ત મતદાન થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને તેમની ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. અગાઉ ૮૧૧ વ્યક્તિઓ પર બીએનએસ કલમ મુજબ અટકાયત તેમજ પ૪ માથાભારે ઈસમો વિરૂધ્ધ પાસા અને હદપારની દરખાસ્ત અને પ્રોહિ-૯૩ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત દારૂની અસામાજીક પ્રવૃત્તિ કરનાર પર અવાર-નવાર રેઇડ કરી દેશી દારૂના તથા ઇગ્લીંશ દારૂના કેસો અંગે અસરકારક કામગીરી કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ-૧૧૧૧ લીટર, કિં.રૂ.૨,૨૨,૩૨૫/- તથા ઇગ્લીંશ દારૂ બોટલ નંગ-૨૦૪૮, કિં.રૂ.૯,૦૩,૦૮૮/- તેમજ રોકડ રકમ, વાહનો તથા મુદ્દામાલ કિં.રૂ.૯,૪૬,૦૨૯/- કબ્જે કરેલ છે. તેમજ હથિયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓ પાસેથી કુલ-૧૧૬ હથિયાર જમા લેવામાં આવેલ છે. ત્યારે હાલમાં ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ ની ચૂંટણી ભયમુક્ત અને તટસ્થ રીતે યોજાય તે માટે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યરત રહેલ છે.