હિંદુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. ધનતેરસનાં દિવસથી દીપોત્સવની શરુ થઇ જાય છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સૌથી જુની અને પવિત્ર ધાતુ સોનું છે,અને સોનાને સૂર્ય ભગવાનનું પ્રતિક પણ માનવામાં આવે છે.હિંદુઓમાં સોનું સૌથી પવિત્ર માનવામાં આવે છે. હિંદુઓમાં ધનતેરસનાં દિવસે સોનું-ચાંદી ખરીદવાને ધાર્મિક મહત્વ પણ માનવામાં આવે છે. ત્યારે ધનતેરસના દિવસે સવારથી અમરેલીનાં નગરજનો સોનું-ચાંદી ખરીદવા માટે અમરેલી શહેરના સોના-ચાંદીના વેપારીઓના શો રૂમ પર ઉમટી પડ્‌યા હતા. ધનતેરસે અમરેલીના નગરજનોએ સોનાની લગડી અને સોનાના ઘરેણાની ખરીદી વધારે કરી હતી. સોના કરતા ચાંદીનું વેચાણ ઓછું થયું હતું. અમરેલી શહેરમાં આવેલ જ્વેલર્સની દુકાનો જેવી કે, નિલકંઠ જ્વેલર્સ, મધુવન ગોલ્ડ, સોની અશોકકુમાર હરીલાલ, વ્રજ જ્વેલર્સ, હિતેષ જ્વેલર્સ, ચિંતન જ્વેલર્સ, વિ.કે. જ્વેલર્સ અને ચોકસી કાંતિલાલ કરશનદાસના શો રૂમમાં વહેલી સવારથી સોના-ચાંદીના દાગીનાની અવનવી ડીઝાઈન આવી હોવાથી સોના-ચાંદીના આભૂષણો ખરીદવા ભારે ભીડ ઉમટી પડી હતી. સોના-ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો હોવા છતાં લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી. આમ સાંજ સુધીમાં લાખો રૂપિયાના સોનાની ખરીદી અમરેલીવાસીઓએ કરી હતી.દિવાળી પર્વમાં ઘરને સુશોભિત કરવાની વસ્તુઓ ખરીદવા મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. અમરેલી શહેરની બજારોમાં અવનવા રંગોની ચિરોડી, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરવા મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. હવે દિવાળીને ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે સવારથી જ અમરેલી શહેરની મુખ્ય બજારો, હરી રોડ, લાયબ્રેરી રોડ, ટાવર રોડ જેવી બજારોમાં અવનવા રંગોની ચિરોડી, આકર્ષક કોડિયા તેમજ સ્ટીકરની ખરીદી કરીને ઘરને સુશોભિત કરવા બજારોમાં મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. આ વખતે અમરેલીની બજારમાં ૨૨ પ્રકારના અવનવા આકર્ષક રંગોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, તો સાથે મનને મોહી લે તેવા અવનવા વિવિધ આકારોમાં દીવડા મહિલાઓનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આંગણાને સુશોભિત કરવા માટે દીવડા, રિંગોળીના વવિધ સ્ટીકર જેવા કે સ્વસ્તિક, લાભ શુભ, પગલાં જેવા સ્ટીકરો ખરીદવા શહેરીજનોએ પડાપડી કરી હતી. આમ અમરેલીની મહિલાઓએ રંગો, કોડિયા અને સ્ટીકરોની ભારે ખરીદી કરી હતી.