સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ડ્રામા અને ઘર્ષણના દ્રશ્યો જાવા મળ્યા છે. ૧૫ એપ્રિલની બપોર સુધીમાં અનેક બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અજમાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
વડોદરા કોંગ્રેસ માટે આજનો દિવસ પડતીનો રહ્યો છે. કનુ પ્રજાપતિ બાદ હવે વોર્ડ-૨ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મ પાછું ખેંચવા આવેલા ઉમેદવાર સામે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો અને આક્રોશમાં કાર્યકરોએ ઉમેદવારની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ડભોઈ બેઠક પર ફોર્મ ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે જારદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
બનાસકાંઠાના પાલનપુરમાં સૌથી વધુ ચોંકાવનારી ઘટના બની છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોરને ફોર્મ ખેંચતા રોકવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રાંત કચેરીએ પહેરો ભરી રહ્યા હતા. આમ છતાં, ભાજપના આગેવાનોએ કોંગ્રેસની નજર સામે જ મહિલા ઉમેદવારને મોઢે દુપટ્ટો બંધાવી અજાણ્યા શખ્સની જેમ કચેરીમાં લાવી ફોર્મ પરત ખેંચાવી લીધું હતું. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
સુરત કલેક્ટર કચેરીમાં પણ સ્થિતિ તંગ જાવા મળી હતી. ભાજપ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો અને શહેર પ્રમુખે હંગામો કર્યો હતો. કલેક્ટર કચેરીમાં અંદર જવા બાબતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે જારદાર બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોએ પોલીસકર્મીના શર્ટ ખેંચી તેમને ધક્કા માર્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
માત્ર વડોદરા કે પાલનપુર જ નહીં, પણ તાપી, અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ અનેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને અને ડરાવી-ધમકાવીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે. પોતાના ઉમેદવારોને પક્ષાંતરથી બચાવવા માટે કોંગ્રેસે અનેક નેતાઓને ગુપ્ત સ્થળે ખસેડવાની રણનીતિ પણ અપનાવી હતી, છતાં અંતિમ દિવસે ભાજપના ‘રાજકીય કાવાદાવા’ સામે કોંગ્રેસના કિલ્લામાં ગાબડાં પડતા દેખાઈ રહ્યા છે. હવે ૨૬ એપ્રિલે મતદાન અને ત્યારબાદ પરિણામો જ સ્પષ્ટ કરશે કે આ ખેંચતાણ કોના પક્ષમાં રહે છે.