ગુજરાતમાં ૨૦૦૨મા થયેલા તોફાનોમાં સામૂહિક બળાત્કારનો શિકાર બનેલી બિલકિસ બાનો આ મામલામાં બે આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવા પર આઘાતમાં છે. તેમના સંબંધીઓનું કહેવું છે કે કોર્ટના આદેશ બાદ બિલકિસ બાનો કથિત રૂપથી ગુજરાત છોડી અન્ય જગ્યાએ જતી રહી છે. જતાં પહેલા બિલકિસ બાનોએ એક નિવેદનમાં કહ્યું કે આ ન્યાય નથી, પરંતુ ન્યાયની હત્યા છે. તેણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એકવાર ફરી તેનો પક્ષ સાંભળ્યા વગર આરોપીઓને જેલમાંથી છોડી દીધા છે. પરંતુ તે પોતાની લડાઈ છોડશે નહીં અને ન્યાય માટે લડતી રહેશે.
એચટીના રિપોર્ટ પ્રમાણે બિલકિસના મામા અબ્દુલ રઝાક મંસૂરીએ જણાવ્યું કે બિલકિસ બાનો લગભગ દોઢ વર્ષ પહેલા સુધી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામના કાપડી વિસ્તારમાં રહેતી હતી. ત્યારબાદ તે એ જગ્યા છોડી ગુજરાતમાં બીજી જગ્યાએ જતી રહી. હવે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેણે પરિવાર સહિત ગુજરાત છોડી દીધું છે અને તે બીજી જગ્યાએ જતી રહી છે.ગુજરાત તોફાનો દરમિયાન દાહોદ જિલ્લાની રહેવાસી બિલકિસ બાનોની સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. તેમના પરિવારના ઘણા લોકોની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં ૧૧ લોકો વિરુદ્ધ આ ગુનાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બધા લોકો આજે પણ જેલમાં છે. વર્ષ ૨૦૨૨મા ગુજરાત સરકારે આરોપીઓએ ભોગવેલી લાંબી સજા અને જેલમાં સારા વ્યવહારને જોતા પોતાની મુક્ત નીતિ હેઠળ તેને છોડી દીધા હતા.
આ નિર્ણયનો વિરોધ કરતા બિલકિસ બાનો સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જેની સુનાવણી કરતા કોર્ટે ૨૦૨૪મા ગુજરાત સરકારના આદેશને રદ્દ કર્યો હતો. આ સાથે છોડવામાં આવેલા તમામ ૧૧ આરોપીઓને જેલમાં ફરી સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આરોપીઓ જેલમાં બંધ છે.
તેમાંથી બે આરોપીઓ વિપિનચંદ્ર કન્યૈલાલ જાશી અને પ્રદીપ રમણલાલ મોઢિયાને સુપ્રીમ કોર્ટેમાં પોતાની વધતી ઉંમર અને બીમારીઓનો હવાલો આપતા જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટીસ એમએમ સુંદરેશ અને જસ્ટીસ પીબી વરાલેની ખંડપીઠે બંને આરોપીઓના ખરાબ થઈ રહેલા સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થાને જાતા ૨૮ ઓક્ટોબરે તેમની આજીવન કેદની સજાને રદ્દ કરતા જામીન આપી દીધા હતા. પરંતુ આ મામલામાં તેમને છોડવામાં આવ્યા નથી અને કેસ પહેલાની જેમ ચાલતો રહેશે.સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ બિલકિસ બાનોએ ગુજરાત છોડ્યું તે સમાચાર સામે આવ્યા છે. આ આદેશ બાદ તેમણે પોતાના વકીલ શોભા ગુપ્તા દ્વારા એક નિવેદન જાહેર કરાવ્યું હતું. આ નિવેદનમાં બિલકિસે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશથી તેના પરિવારનો ડર ફરી જીવિત થઈ ગયો છે. તેણે કહ્યું કે આ નિર્ણય વિરુદ્ધ પોતાની લડાઈ જારી રાખશે.
નિવેદનમાં બાનોએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હું અને મારો પરિવાર ડરેલો છે. મને ન્યાયમાં ભરોસો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. આખરે સુપ્રીમ કોર્ટે મારી સાથે આવી હરકત કરનાર દોષિતોની સજાને મારો પક્ષ સાંભળ્યા વગર સસ્પેન્ડ કરી છે. કોર્ટે મારો પક્ષ જાણવાનું પણ જરૂરી ન સમજ્યું? બિલકિસે કહ્યું, માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં મને ડર અને આઘાતમાં ધકેલી દેવામાં આવી હતી. ત્યારથી હું છેલ્લા ૨૪ વર્ષથી અદાલતોમાં જંગ લડી રહી છું. એક બાદ એક કોર્ટ જઈ રહી છું. હું દેશની તે અદાલતોની આભારી છું, જ્યાંથી મને ન્યાય મળ્યો. તેનાથી ન્યાયની અવધારણામાં મારો વિશ્વાસ જાગ્યો. હું થોડું હસ્તા શીખી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયે મને ત્યાં પહોંચાડી દીધી છે જ્યાંથી હું ચાલી હતી. હું ન્યાય માટે લડી હતી અને આગળ પણ લડતી રહીશ. હું મારો જંગ છોડીશ નહીં.









































