“બેરાલાલ..બેરાલાલ.‌! તમારે એક જાતનું હારું છે, તમે હાંભળો ઓછું, એટલે કામ વગરનું નો સાંભળવુ પડે. અને અમારે કામવાળું તો સાંભળવુ જ પડે, પણ નો કામ હોય ઈય પરાણે સાંભળવુ પડે છે.”
બનેવીલાલે આવતાં વેંત જ હૈયાંવરાળ ઠાલવી.
“કેમ કેમ!? તમારે વળી નો સાંભળવાનુ કેમ સાંભળવુ પડે છે? તમે કાંઈ કાળા ધોળા કર્યા છે? ઉંમર જોઈને કામ કરતાં હોય તો.‌!”
“અરે.. તમે ધારો છો, એવું કાંઈ કામ નથી કર્યું. તમે પેલાં પુરી વાત તો સાંભળો..!!”
“હા, તો કહો ગામ/શેરમાં હું નવાં જૂની છે? કોઈએ નવું વધારાનું રાજીનામું માગ્યું? કોઈએ નહોતું દેવાનું અને રાજીનામું આપી દીધું? વિપક્ષ વાળાનાં મોઢામાં બગાસું ખાતાં પતાસું મળી ગયું??”
“ચૂંટણી.. ચૂંટણી.. ચૂંટણી..! છાપાં વાળાઓ પણ લખ..લખ કરે, ટી.વી.વાળાઓ પણ બકબક કરે. અને વધારામાં પુરું પાનનાં ગલ્લે પણ ચૂંટણીની જ વાત હોય. આ દેશમાં ચૂંટણી સિવાય ઘણું બધું કરવાં જેવું છે. ઈ વાત કરો ને..!!”
“હા તો તમે કહો, શું વાત કરવી છે તમારે!?”
“બીમારી.. બીમારી.. બીમારી.‌!! તમે જ્યાં જૂઓ ત્યાં માણસો નકરા બીમાર જ છે.દવાખાના ફુલ , હોસ્પિટલ ફુલ, મોટાં મોટાં કોર્પોરેટ કારખાનાંઓ ફુલ.”
“ઊભાં રહો..ઊભાં રહો..ઊભાં રહો..! તમારી મોટી ગેર હમજ થાય છે. દવાખાના અને હોસ્પિટલ હારે કારખાનાઓ નો આવે..! કારખાનામાં વસ્તુની કાપ- કૂપ થાય અને દવાખાનામાં તો…”
“મારે ઈમ જ કેવું છે. દવાખાના અને હોસ્પિટલ મોટાં કારખાનાંઓ બની ગયાં છે. પહેલાં માણસને કાપે પછી એમનાં ખિસ્સાને કાપે. અને બાકી વધે તો જિંદગી ‘ય કાપે. (ભાગ્યે કોઈ કોઈ ડો.સારાં ‘ય હોય છે) હવે તમે જ કહો આને કાપવાના કારખાનાં નો કેવાય તો હું કેવાય!!?”
“હવે ન્યા ઠેઠ પોંગવાનું મારું તો ગજું ‘ય નથી,અને ગજવું ‘ય નથી. પણ, તમે કાંઈ બીમારી.. બીમારીની વાત કરતાં હતાં ને! બીમારી નો થાય એવું કાંઈક કરવામાં આવે તો!? બીમારી થાય છે કેમ? બીમારી આવે છે ક્યાંથી? બીમારી લાવે છે કોણ??”
“બીમારી પેસ્ટીસાઈડ દવા વાળું ખાવાં માંથી આવે છે. અને વધ -ઘટની બીમારી મચ્છર લાવે છે.”
“ઓ..હોં.. હોં..! બીચારો ખેડૂત, જગતનો તાત ખેડૂત.
એની બચાડાની મજબૂરી છે. ઈ આવી દવા નો છાંટે તો કાંઈ થાતું નથી. એટલે ઈ બચાડો કરી કરીને કરે ‘ય શું.‌!? વાત રહી મચ્છરની. તો મેં તો હાંભળયુ છે કે, દુનિયા આખી ચંદ્ર ઉપર પોગી ગઈ છે. પાતાળમાં ય ખાખા ખોળા કરે છે. હતું ઈ નહોતું કરે છે,અને નહોતું ઈ હતું દેખાડે છે. તો આપણે હજીય કાંઈ નો કરી હકયાં!?”
“તમારો કે’વાનો મતલબ હું છે? ભારત હમણાં હમણાં વસ્તીમાં પેલાં નંબરે આવી જાહે. અને ઈકોનોમિમા ત્રીજા નંબરે આવી જાહે. અને..અને..”
“બસ..બસ..બસ..!! હવે ચૂંટણીમાં આપે એવાં ભાષણ મારે હાંભળવા નથી. અને એમાં હવે રસે ‘ય નથી. કાંઇક નવું હોય તો કહો.”
“આ નવું નવું તો છે, રોજ હવાર પડે ને નવું આવે છે. આનાથી વધારે નવું કેટલું ‘ક જોઈએ છે.‌!??”
“દુનિયા આખી અપડેટ્‌સ થઈ ગઈ છે. અને એક આપણે….”
“કેમ..કેમ..!? આપણે ‘ય અપડેટ્‌સ તો છીએ.‌!! આખી દુનિયામાં હૌથી ઓછાં નેટના ભાવ આપણે ન્યા છે. હૌથી વધારે ઓન લાઈન પેમેન્ટ આપણે કરીએ છીએ. અને..અને..”
“રે..વા..દો.., રે..વા..દો..!! આપણે એક બીમારી લાવતું મચ્છરને અપડેટ્‌સ નથી કરી હકયા. ઈ પેલાં ‘ય બીમારી ફેલાવતું ‘તું અને આજે ‘ય બીમારી જ ફેલાવે છે.”
“તો..ઓ.. દુનિયાએ એમાં વળી શું અપડેટ્‌સ કર્યું? ”
“લો..કર..લો..બાત.‌! તમે છાપું બાપું નથી વાંચતા? ટી.વી.હમાચાર નથી હાંભળતા??”
“મૂળ મુદ્દો હું છે? ઈ કહો ને.‌!!”
દુનિયામાં મચ્છરો વિમાન ઉડાડવા લાગ્યાં છે.અને આફત આવે તો માર ખાઈને પણ એકસો એંસી માણસોનાં જીવે ‘ય બચાવી લે છે. (આવી વાત ગામને ચોરે થાતી ‘તી.)અને આપણે ન્યા હજીય મચ્છરો બીમારી જ ફેલાવે છે.”
“બેરાલાલ..! તમે મચ્છર એટલે પાઈલોટ મચ્છરની વાત કરો છો??”
“હા..ભાઈ..હા..!! દુનિયામાં મચ્છરો વિમાન ઉડાડવા લાગ્યાં છે. અને આપણે ન્યા…!??”
“બેરાલાલ ! એક તો તમે ઓછું હાંભળો છો. પણ હાંભળો છો ઈ તો બરોબર હાંભળો..!!”
“કે..મ..!? દુનિયા આખી ખોટી છે? એક મચ્છરે વિમાન નથી ઉડાડ્‌યું??”
“દુનિયા ખોટી નથી. તમારી હમજણ ખોટી છે.”
“તો..ઓ..તમે હમજાવો.. હું ક્યાં ખોટો છું? ”
“બેરાલાલ ! તમે જે મચ્છરની વાત કરો છો, ઈ મચ્છર અને આ મચ્છર અલગ અલગ છે.”
“હજી તમે મહાનગરપાલિકના ખોટાં બીલની જેમ ગળે નો ઉતરે એવી વાત કરો છો!?”
“નાં..આ..! જેમણે વિમાન ઉડાડ્‌યું ને.. એમનું નામ છે, “સ્મિત મચ્છર. “”ફલાઈ દુબઈ “કુંપનીમાં એ કેપ્ટન હતો. કો પાઈલોટ “હમમ- અલ- હમ્મીજા”એ આ સ્મિત મચ્છર ઉપર હુમલો કરી દીધો. પણ.. આપણાં ભારતીય કુળનાં ‘સ્મિત મચ્છરે’ જાનના જોખમે પણ વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવીને એકસો એંસી માણસોનાં જીવ બચાવ્યા છે.
આ એ સ્મિત મચ્છરની વાત છે. અને હા..! એ મચ્છર આપણાં ભાવનગરનો ભાણિયો અને આપણાં સાવર કુંડલાનો જમાઈ છે. હવે કોઈને કહેતાં નહીં કે.. આપણે અપડેટ્‌સ થાવાની જરૂર છે. kalubhaibhad123@gmail.com