મહેસાણા જિલ્લાના વિજાપુરમાં પશુઓની કથિત ગેરકાયદેસર હેરફેરનો મામલો સામે આવ્યો છે. વિજાપુર પોસ્ટ ઓફિસ નજીકથી પોલીસે પશુઓથી ભરેલી આઈશર ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વિના ખીચોખીચ ભરેલા ૪૦ નાના પાડા મળી આવતાં પોલીસે તેમને કબજે લીધા હતા. આ મામલે ડીસાના રસીદ અને અરબાઝ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વિજાપુર શહેરની પોસ્ટ ઓફિસનજીકથી પસાર થતી શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી.ટ્રકની તલાશી દરમિયાન અંદર મોટી સંખ્યામાં પશુઓ ભરેલા હોવાનું સામે આવ્યું હતું. પશુઓને પૂરતી જગ્યા વિના ખીચોખીચ ભરવામાં આવ્યા હોવાનો અને તેમની સંભાળ માટે જરૂરી વ્યવસ્થાનો અભાવ હોવાનો આરોપ છે.
પોલીસ તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ ૪૦ નાના પાડા મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પશુઓને ટૂંકા દોરડાથી બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. ટ્રકમાં તેમના માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાવાયું છે.
પશુઓને આવી સ્થિતિમાં લઈ જવામાં આવતા હોવાના કારણે પશુ ક્રૂરતા અંગેના કાયદા હેઠળ કાર્યવાહીનો મામલો બન્યો છે. જોકે, પશુઓને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા અને તેમની હેરફેર પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ કેસમાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહેવાસી રસીદ અને અરબાઝ નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પશુઓ તેમજ હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી આઈશર ટ્રક કબજે લીધી છે.
હાલમાં વિજાપુર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તેમને ક્યા લઈ જવામાં આવી રહ્યા હતા અને આ હેરફેરમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.








































