અમરેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા જ્યોતિ યાત્રા’ના સમાપન સમારોહ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના અતિથિ વિશેષપદે યોજાયેલી સભામાં પદાધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પોને સાકાર કરવા સૌને એકજૂથ થવા અપીલ કરી હતી અને “વી વિલ ડુ ઈટ”નો નારો આપ્યો હતો. સભાને સંબોધતા જગદીશ મકવાણાએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની કામગીરીની વાત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ અને ઉજ્જવલા યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમમાં રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. ‘રંગ કસુંબલ’ ડાયરો યોજાયો હતો. મહાનુભાવોએ મશાલ પ્રજ્વલિત કરી વિકાસ જ્યોતિ યાત્રા અને પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાનું કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું. વિકસીત ભારત સંકલ્પ સભામાં અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.