CSPC સંસ્થાના IDBI પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા ખાતે ઘેરાતા જળસંકટ અને ભૂગર્ભ જળના તળ ઊંડા જવાની સમસ્યા સામે ગ્રામીણ વિસ્તારોને સક્ષમ બનાવવા ‘જળ સાક્ષરતા’ અંગે એકદિવસીય કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ૨૦ ગામોના ૧૨૦થી વધુ વોટર યુઝર ગ્રુપના પ્રતિનિધિઓએ જળ સુરક્ષા માટે સંગઠિત પ્રયાસોનો સંકલ્પ લીધો હતો. સંસ્થાના સિનિયર પ્રોગ્રામ મેનેજર કેતનભાઈ હિંગુએ સહભાગીઓને આવકારી સમુદાયની ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
નિષ્ણાત ટ્રેનર ગૌરવભાઈ ઠક્કરે પ્રેઝન્ટેશન અને ફિલ્મો દ્વારા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એરિયા મેનેજર ચંદ્રશેખરભાઈ શ્રીવાડકરે ખેડૂતોને ટપક-ફુવારા પદ્ધતિ અપનાવવા તેમજ ‘ખેત ત્યાં તલાવડી’ અને રેનવોટર હાર્વેસ્ટિંગને જનઆંદોલન બનાવવા આહવાન કર્યું હતું. બ્લોક કોર્ડીનેટર ઇકબાલભાઈ લાખા અને ટીમે ગ્રામજનોને જળ સંરક્ષણ માટે સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.




































