સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આંબરડી સેવા સહકારી મંડળીની ૭૭મી વાર્ષિક સાધારણ સભા ખોડીયાર માતાજી મંદિર સંકુલમાં યોજાઈ હતી. મંડળીના પ્રમુખ અને સાવરકુંડલા ખેતી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દિપકભાઈ માલાણીએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. શરૂઆતમાં મંત્રી ભાવેશભાઈ ચૌહાણે વર્ષ દરમિયાનની કામગીરી, આવક-જાવકના હિસાબો તથા વ્યવસ્થાપક સમિતિએ નક્કી કરેલા ડિવિડન્ડ અને નફાની વહેંચણીની વિગતો રજૂ કરી હતી. ઈફકોના પ્રતિનિધિ કશ્યપભાઈ બારૈયાએ ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સહકારી વ્યવસ્થાપન સંસ્થા, ગાંધીનગરના આચાર્ય ડી.બી. ગોટીએ મંડળીને પ્રગતિશીલ ગણાવી હતી. અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયાએ મંડળીની “ઉપાડો લાખ અને ભરો અઠ્ઠાણું હજાર” યોજનાને અનુકરણડીય ગણાવી હતી. આ યોજનામાં સરકાર તરફથી મળતા સાત ટકા ઉપરાંત મંડળી બે ટકા સહાય ચૂકવે છે. અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણીએ ખેડૂતલક્ષી સેવાઓ, ભાડે મશીન કેન્દ્ર, જંતુનાશક દવાઓ, ખાતર, બિયારણ વેચાણ અને ડ્રોન દ્વારા દવા છંટકાવની સેવાઓને નમૂનારૂપ ગણાવી હતી. પ્રમુખે મંડળીએ નોંધપાત્ર નફો કર્યો હોવાનું જણાવી ૧૫ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આ પ્રસંગે વ્યાજ સહાયના ચેક તેમજ અકસ્માતે મૃત્યુ પામેલા બે સભાસદોના વારસદારોને રૂ. ૨૫,૦૦૦ના ચેક અપાયા હતા. સભાનું સંચાલન અને આભારવિધિ સાવરકુંડલા તાલુકા સંઘના મેનેજર રાજુભાઈ માલાણીએ કરી હતી.































