‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અમરેલીના સ્પોટ્‌ર્સ કામ્પ્લેક્સ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ ગુરુ શીશપાલજીના અધ્યસ્થાને ‘યોગ અને ધ્યાન’ શિબિર યોજાઈ હતી. જેમાં વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો સહિત નાગરિકો જોડાયા હતા. યોગ ગુરુ શીશપાલજીએ કપાલભાતિ, ભ્રામરી, અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ તેમજ તાડાસન,વૃક્ષાસન અને વજ્રાસન સહિતના યોગાસનોનું પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન દ્વારા ‘સ્વસ્થ સમાજ-મેદસ્વિતા મુક્ત અને સમૃધ્ધ ગુજરાત’નું નિર્માણ કરી શકાય છે. નિયમિત યોગથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તથા તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે. આજની અયોગ્ય જીવનશૈલીને કારણે વધતી મેદસ્વિતાને નિયંત્રિત કરવા યોગ ઉપયોગી છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.