સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘રોડ સેફટી જાગૃતિ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીનીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ કેળવવાના હેતુથી નિબંધ લેખન, ચિત્ર, વક્તૃત્વ અને પ્રશ્નોત્તરી સ્પર્ધા તેમજ જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીનીઓએ હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન તથા વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવા અંગે રજૂઆત કરી હતી. લાલજીભાઈ રાઠોડે વિદ્યાર્થીનીઓને ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવી હતી. શિક્ષક મેહુલભાઈ મહેતાના સંચાલનમાં યોજાયેલા કાર્યક્રમના અંતે આચાર્યા ઉષાબેન બી. તેરૈયાએ માર્ગ સલામતીનું મહત્વ સમજાવી અકસ્માતમુક્ત સમાજ માટે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.






























