ઉના-કોડીનાર નેશનલ હાઈવે પર સિલોજ ગામ નજીક બેફામ ડમ્પરે ડબલ સવારી મોટરસાયકલને અડફેટે લેતા કોડીનારના ૨૫ વર્ષીય યુવાન મોહિબરજા તસબુર હુસેન જલાલીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બાઈક પાછળ બેઠેલી તેમની સાળી અલીશાબેન કાળુભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર ચાલકને ઝડપી લેવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































