લલિત હજી શાળા તરફ જવા ઘરેથી નીકળતો હતો ત્‍યાં જ પોસ્‍ટમેન રસ્‍તામાં સામે મળ્યો. એ વાતથી બેખબર લલિત પોતાની ધૂનમાં જ હતો કે પોસ્‍ટમેને બૂમ પડીઃ ‘સાહેબ….’
લલિત થંભી ગયો.
‘પોસ્‍ટમેન નારણે એક ભૂખરૂ પરબીડીયુ લલિતના હાથમાં આપ્‍યું ‘લો એક ટપાલ છે…..’
લલિતે એ ભૂખરૂ પરબીડીયું હાથમાં લીધુ. ઉપર ‘ખાનગી’ માર્કિંગ કરેલું હતુ. ઉપર જિલ્‍લા પંચાયત કચેરી, શિક્ષણ શાખા એવું સરનામુ હતુ. લલિત વિચારમાં પડી ગયો. ‘બદલી થઇ કે શું ’ એ વિચારે એ કંપી પણ ગયો. નારણ તો ‘લો, આવજો સાહેબ.’ કરતો ચાલી ગયો. પણ લલિતના મનમાં ફડકો ઘૂસી ગયો. તેણે વળતી સેકંડે જ એ પરબીડીયુ ફોડ્‌યુ. તો અંદરથી સાચ્‍ચે જ બદલીનો હુકમ નીકળ્યો. એક સાથે સાત શિક્ષકોની બદલી થઇ હતી. પોતાનું નામ તો કયાંય નથી ને ? એણે ઝડપથી જોઇ લીધુઃ પણ તો પછી આ હુકમ ? …
ફરતી ફરતી તેની નજર એક નામ પર પડી ગઇઃ ‘રમીલા કેશવલાલ કણસાગરા!’
‘રમીલા!…’
લલિતના ચિદાકાશમાં જાણે વીજળી ખાબકી.
રમીલા અહીં આવે છે ? મારી શાળામાં ? મારી સાથે ! મારા મદદનીશ બનીને ?
ભૂતકાળના ઘોડાપૂર તેના માનસપટ પર હમચી ખૂંદી રહ્યા. એ એક માહોલ હતો. પંદર વર્ષ પહેલા સણોસરાપુર લોક વિદ્યાલય સંકુલમાં બન્‍ને સાથે જ પી.ટી.સી.માં હતા. લલિત આમ તો ગરીબ કુટુંબમાંથી આવતો હતો. પણ તેનું વ્‍યકિતત્‍વ આકર્ષક હતુ. પહોળો સીનો, મર્દને શોભે એવુ શરીર, મોટી મ્‍હોફાડ, કાળા ભમ્‍મર વાંકડિયા ઝુલ્‍ફા, કોટા કાઢતી આછી આછી મૂછો, લીંબુની ફાડ્‌ય જેવી આંખો અને તેની વાતવાતમાં ખડખડાટ હસવાની ટેવ અને બીજી વ્‍યકિતને સંમોહિત કરી દે એવી જબાન.
રમીલા, લલિતે ફેંકેલા ગૂગલી બોલમાં પહેલા જ દડામાં કલીન બોલ્‍ડ થઇ ગયેલી. અને લલિતેય બેખબર હતો ને રમીલાના હાથમાં કેચ થઇ ગયેલો. પણ એકબીજાને એની કયાં ખબર હતી?. લલિત આમ તો કામેકાજે થોડો આળસુય ખરો. એટલે બે ત્રણ દિવસ સુધી પોતાના કપડા ધુએ ન‍હીં. એક દિવસ ન છૂટકે ડોલમાં કપડાનાખીને એ સ્‍નાનગૃહ તરફ ગયો. જેમ તેમ કરીને કપડા છબછબાવીને ભાઇ બેઠા નહાવા. વખત કેટલો વહી ગયો એ ખબર ન રહી ખબર જયારે પડી ત્‍યારે થયુ કે માર્યા! સફાઇનો સમય થઇ ગયો છે. એ સ્‍નાનાગૃહમાંથી ઝડપથી બહાર આવ્‍યો કે ત્‍યાં દોરી ઉપર રમીલા તેના કપડા ધોઇને સૂકવી રહી હતી. લલિતને શું બોલવુ તે સમજાયુ નહી. એટલે રમીલાએ હસીને પૂછયુઃ ‘શું જુઓ છો ?
‘તને… ’
‘ નથી જોઇ ? ’
‘ઘણીવાર જોઇ છે પણ પહેલાના અને અત્‍યારના જોવામાં લાખગાડાનો ફેર છે. ’
‘ તો એ ફેર ભાંગી નાખોને.’ કહી હસી પડી. લલિત ગૂંચવાડામાં મૂકાઇ ગયો.
રમીલા ટહુકીઃ ‘વાતુ કરવામાં તો બહુ હુંશિયાર છો. કામેકાજે એટલા નથી. મે જોયુ કે તમે ‘હિસ્‍સો – હિસ્‍સો’ કરીને કપડા ધોઇ નાખ્‍યા. પણ પછી જોયા‘તા મેલના વળ ? મને થયું કે લાવ મારા ભેગા ભેગા તમારાય ધોકાવી નાખુ.’
‘કપડા જ હોં રમીલા, હાડકા નહીઃ’
‘વખત આવ્‍યે એ પણ ધોકાવી નાખીશ જો આમને આમ દિલ દગડાઇ કરી છે તો’ કહી નીચલો હોઠ દબાવી ભાગી.
દિલની સિતાર ઉપર કોઇએ માસૂમ આંગળીઓ મુકી દીધી… ને સિતાર રણઝણી ઉઠી. કોઇ અજાણ્યુ ગીત લલિતના હોઠો ઉપર બજી ઉઠ્‌યુ…
હવે રમીલા એના શ્વાસની સરગમ ઉપર નૃત્‍ય કરી રહી હતી. રાત દિ, દિ-રાત રમીલા… રમીલાનું નામ રટતો લલિત ઉભરતી જુવાનીના ગાંડા વહેણમાં તણાતો રમીલા પાસે પહોંચી જતો હતો. કયારેક મનથી, કયારેક તનથી…
સણોસરાપુરના ઝાડવે ઝાડવા તેમની વચ્‍ચે અંકૂરાઇ રહેલા પ્રેમના સાક્ષી હતા. એક એક આંબા, રાયણ, દાડમડી, જાંબુડા, લીંબડા, કેસૂડા, ગૂલમહોર, લીંબુડી, ચીકુડી, ઉંબરા અને ઉંબરા ઉપર બેઠેલ કોલયડી…
કોયલડી રમીલાની રૂમની બારી પાસે ઉભેલા આંબલીયાની ડાળે બેસીને બોલતીને રમીલા આંખો બંધ કરી જતી. બંધ આંખોમાં લલિતની મનોહર છબી ઉપસી આવતી. રમીલા, વાંચવાના અભ્‍યાસની ચોપડીને છાતી ઉપર દબાવી દેતી. અને છાતીની બૂલબૂલ ટહુકા કરતી હાંફતી રહેતી… ચોપડી ઉપર રમીલાના હાથની ભીંસ ઓર મજબૂત થઇ જતી પણ…
પણ એક દિવસ ન થવાનું થઇને રહ્યુ. એક વરસ લગી પાંગરતો પ્રેમનો અંકુર હવે છોડવો બની ગયો હતો. બન્‍ને પી.ટી.સી.ના બીજા વર્ષમાં આવ્‍યા હતા. અને આજ વરસે રમીલાના ગામમાંથી નારસંગ કરીને એક યુવક
પી.ટી.સી.ના પહેલા વર્ષમાં દાખલ થયો હતો. હમણા હમણા લલિતે જોયુ હતુ કે નારસંગ, રમીલા તરફ બહુ ઢળતો જતો હતો. એક દિવસ લલિતે નારસંગને પૂછ્યુઃ ‘રમીલા તારે શું સગી થાય છે ? ’
‘મારા ગામની છે. મારી પાડોશમાં જ રહે છે.’ અને એ મેટ્રીકમાં હતી ત્‍યારે હું તેનાથી એક ધોરણ પાછળ હતો. પણ અમે સાથે બેસીને બહુ ‘વાંચતા . છુપ્પા છુપ્પી રમતા.કડબની ગંજીમાં તેને લઈને હું છુપાઈ જતો અને .એ મારામા છુપાઈ જતી. બહુ મજા આવતી’

એ તને ગમે છે ? ’ નારસંગ શરમાઇ ગયોઃ ‘હવે આ ઉંમરે બીજુ શું હોય ? સમજી જાવને ?’ અને પછી કહે,‘અહીંયા સણોસરાપુર માં પી. ટી.સી.કરવાનું તેણે જ મને કહેલું.બાકી અહીંયા શિક્ષક થવું હતું કોને? મારે તો ડોક્ટર થવું હતું.પણ રમીલા અહીંયા હતી એટલે જ સ્તો હું આવ્યો..!’
લલિતના માનસપટ ઉપર ચણેલો ગઢ જાણે કડેડાટ કરતા પડ્‌યો બધું છિન્‍નભિન્‍ન થઇ ગયુ…
આજે આટલા વરસો બાદ રમીલા મળે છે. અને તે પણ આ શાળામાં પોતાની મદદનીશ બનીને આવે છે. કદાચ નારસંગ મુકવા આવશે. આખો દિવસ લલિતના ચિદાકશમાં આંધી ફૂંકાઇ રહી…
બીજે દિવસે સવારની દસની બસમાં એક સુટકેશ સાથે રમીલા ઉતરી. સીધી નિશાળે જ આવી. લલિત તેને તાકી રહ્યો. એ જ ચાલ, એજ છટા, એ જ દેખાવ, એ જ શરીર, એ જ ચહેરો.!!.
રમીલા સામે આવીને ઉભી રહી. લલિત હસીને બોલ્‍યો, ‘આવો’
રમીલા તેની સામે તાકી રહી.
લલિત બોલ્યો: ‘ ઓળખાણ પડે છે કે પછી ઓળખાણ પાડુ ? ’
‘આટલા વરસો પછી તમને મળુ છુ ત્‍યારે સ્‍મરણો સજાવવાને બદલે એ ઉંડા દર્દભીના સ્‍મરણોની ભેખડને ખોદીને મારા ઝખમ ઉપર દર્દનું નમક ભભરાવવાનો પ્રયત્‍ન શા માટે કરો છો ? ’ રમીલાએ ઊંડા દર્દ સાથે કહ્યું.
‘જખમ તો તમે ભભરાવવાનો પ્રયત્‍ન કર્યો હતો રમીલા! તમારી જબાન જુદી અને આંખ પણ જુદી હતી પણ હું તમારી દૂધ અને પાણી જેવી નિતિ અને રીતીને ઓળખી નહોતો શકયો’
‘નાગચૂડ પ્રસારીને હળવેકથી છટકી જવાનું પારધીઓને ફાવતુ હોય છે એને ક્ષણિક આનંદ થાય છે ખરો ,પણ જાળમાં ફસાયેલા ભોળા પંખીનો આર્તનાદ એ પારધીની પાછલી જીંદગી ખાના ખરાબ કરી દે છે…’
‘રમીલા, આટલા વરસે મળ્યા છતાય’
‘છતાય કોણ જાણે કેમ મને જોઇને તમને આનંદ તો ન થયો પણ હું જાણે ગયા ભવની દુશ્‍મન હોઉ એવો વહેવાર કરવા મંડ્‌યા મે તમારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી.’
‘ હું એમ પૂછુ છું કે તમે એકલા જ આવ્‍યા ? નારસંગ તમને મૂકવા ન આવ્‍યો ? ’
‘રમીલાના હાથમાંથી બેગ પડી ગઇઃ’ કોણ નારસંગ?
‘આપણે પી.ટી.સી.ના બીજા વર્ષમાં હતા ને એ દાખલ થયેલો તમારા ગામનો જણ. તમને ચાહતો જણ. તમને ગમતો જણ…’
‘તમારી ભૂલ થાય છે લલિત વૈષ્‍ણવ !’રમીલાનો ચહેરો તમતમી ઉઠ્‌યોઃ ‘પહેલી વાત તો એ કે મે લગ્‍ન કર્યા જ નથી બીજુ એ કે એ મારા ગામનો હોવાને કારણે એ મારા માટે ધર્મના ભાઇથી વિશેષ કશું નહોતો. અને ત્રીજુ એ કે હું કોને ચાહતી હતી એ તમને ખબર છે ને વૈષ્‍ણવ ? મારી સ્‍વપ્‍ન સૃષ્ટિમાં પણ હું લલિત વૈષ્‍ણવ સિવાય કોઇને ચાહી શકી નથી. બોલો શું કહેવુ છે હવે તમારે ?
લલિત આંચકો ખાઇ ગયોઃ હેં?’
‘મારી ભૂલ થઇ ગઇ’ ‘એવુ કહેવાની જરૂર નથી. ભલે તમે મને પ્રેમનો કોલ આપીને હિજરાતી રાખી. પણ મેય એવો નિર્ણય કરી લીધો છે કે તમારી જ નજર સામે રહીને હું તમને હિજરાતા રાખીશ. મે બદલી પણ એટલે જ કરાવી છે…’
‘રમીલા… રમીલા. હું ભીંત ભૂલ્‍યો ’
‘તમે ભીંત નહી, માણસ તો ભૂલ્‍યા, માણસાઇ પણ ભૂલ્‍યા… કમ સે કમ મને નારસંગ વિશે એકવાર તો પૂછ્યુ હોત…’
લલિત કશુ બોલી ન શકયો. પણ આ વાતને હજી માંડ બે મહિલા થયા હશે ને એક દિવસ અચાનક લલિતની બદલીનો હુકમ આવ્‍યો. લલિત છૂટો થઇ ગયો. જતા પહેલા રમીલાને એક બંધ કવરમાં ચીઠ્ઠી આપતો ગયો. રમીલાએ એ ચીઠ્ઠી ખોલીને વાંચી. લખ્‍યુ હતુ.
રમીલા,
‘પ્રિય’ કહેવાનો અધિકાર તો મે ખોઇ નાખ્‍યો છે એ સિવાય મે ઘણુ બધુ ખોયુ છે. અત્‍યાર લગી હું ભ્રમમાં જીવતો હતો કે મારાથી છુટીને તે મને હિજરાતો રાખ્‍યો. પણ તુ તો મારાથી પણ ઉંચે ચડી ગઇ. એકવાર તને મળી લીધુ હોત તો… પણ તો પછી કશુ આશ્વાસન નથી. પણ હવે હું તને મારી સગી નજરોએ જોઇ શકતો નથી. ભલે તુ ટ્રાન્‍સફર કરાવીને અહીં આવી પણ કેટલીક બાબતો સહન ન થતા હું જ ટ્રાન્‍સફર કરાવીને ચાલ્‍યો જાઉ છુ. આપણા ભૂતકાળના પ્રેમના સોગંદ, હવે મારી પાછળ તુ આવતી નહીં નહીંતર….
-લલિત.!