અમરેલી જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું હતું. પરંતુ વાવેતર બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લેતા હવે પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય રોકડિયા પાકો પર વરસાદ ખેંચાવાની સીધી અસર પડી રહી છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં આગોતરું વાવેતર કરી દીધું હતું. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ સહિત વિવિધ પાકોનું અંદાજે ૨૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. શરૂઆતમાં વરસાદની સ્થિતિ અનુકૂળ રહેતા ખેડૂતોમાં આશા જાગી હતી, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા પાકને પૂરતા ભેજની અછત વર્તાવા લાગી છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો પાક સૂકાવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું અંદાજે ૯.૧૬ લાખ હેક્ટરમાં જ્યારે કપાસનું ૮.૯૮ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બંને પાકો માટે હાલના તબક્કે વરસાદની ખાસ જરૂરિયાત છે. વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોને પાક બચાવવા માટે સિંચાઈના પાણીનો સહારો લેવો પડી શકે છે. જોકે તમામ ખેડૂતો પાસે સિંચાઈની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ તાત્કાલિક વરસાદ લાવે તેવી કોઈ સક્રિય સિસ્ટમ જોવા મળી રહી નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા વધુ ઘેરી બની છે.ખેડૂત નિષ્ણાતોના મતે જો આગામી એક સપ્તાહમાં સારો વરસાદ નહીં થાય તો ખાસ કરીને કપાસના પાકને નુકસાન પહોંચવાની શક્યતા વધી શકે છે. મગફળીના પાક પર પણ વરસાદની અછતની અસર પડી શકે છે.હાલમાં મોડી વાવણી કરવી ખેડૂતો માટે શક્ય નથી. તેથી હવે વાવેતર કરેલા પાકને બચાવવા માટે સમયસર વરસાદ અથવા સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી બન્યું છે. જો વરસાદ વધુ ખેંચાય તો સરકાર દ્વારા સિંચાઈ વિભાગના માધ્યમથી ખેડૂતો સુધી જરૂરી પાણી પહોંચાડવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. મેઘરાજા રૂઠતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ત્યારે સરકાર દ્વારા સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તો અનેક ખેડૂતોના પાકને સુકાઈ જતાં બચાવી શકાય તેમ છે. હવે ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે.









































