મહત્વ, વાવેતર વિસ્તાર અને ઉપયોગ: ભારત એ બાજરાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દેશમાં બાજરા પાકના વાવેતર વિસ્તારની દષ્ટિએ ગુજરાત એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરનું રાજ્ય છે. રાજ્યમાં બાજરાનો કુલ વાવેતર વિસ્તાર આશરે ૪૫ થી ૫૦ લાખ હેકટર જેટલો છે તેમાંથી ૯૯ ટકાથી વઘુ વિસ્તારમાં હાઇબ્રીડ બાજરાનું વાવેતર થાય છે જેમા બનાસકાંઠા ખાતે સૌથી વધુ ઉત્પાદક અને વાવેતર થાય છે. બાજરાનો પાક સામાન્ય રીતે ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાં પિયતની સુવિઘાઓ છે તેવા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં પણ બાજરાનું વાવેતર અંદાજે ૨.૫ થી ૩.૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. બાજરો એ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. તેમજ ગ્લુટેન મુક્ત હોવાથી, તે સેલિઆક રોગથી પીડિત લોકોને માટે ફાયદાકારક છે. બાજરાના દાણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદય અને રકતવાહિનીના આરોગ્યને જાળવવામાં મદદ કરે છે. બાજરાના દાણામાં ફાયટીક એસિડ અને નિયાસિન પણ ભરપુર હોય છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. બાજરામાં સારી ગુણવત્તા ધરાવતા રેષાનું પ્રમાણ વધારે અને ખાંડનું પ્રમાણ ઓછું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. બાજરાના દાણામાં કેલરી તેમજ વિટામિન્સ, ખનિજો અને એમિનો એસિડ ખુબ સારા પ્રમાણમાં હોવાથી તે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ખાસ કરીને ચોમાસું બાજરીનું વાવેતર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ અને કચ્છ જીલ્લાઓમાં પિયતની સગવડતાવાળા વિસ્તારમાં થાય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અને આણંદ જીલ્લામાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના પણ બાજરીનું વાવેતર થાય છે. બાજરીનું વાવેતર માટે હંમેશા સર્ટીફાઉડ બિયારણ વાપરવું જોઈએ. ગુજરાતમાં ચોમાસું બાજરી વાવેતર મોટેભાગે હાયબ્રિડ બિયારણ થી થાય છે.
આબોહવાકીય જરૂરિયાતનુ મહત્વ: બાજરો એ ગરમ ભેજવાળા આબોહવાકીય વિસ્તારમાં થતો ટુકા દિવસનો વધુ પ્રકાશ સંશ્લેષણ શક્તિ ધરાવતો પાક છે. બાજરાના પાકને તેના સારા વિકાસ માટે ઊંચાં તાપમાનની જરૂર રહે છે. તેથી તે ગરમ ઋતુનો પાક કહેવાય છે. બાજરાનો પાક ૧૦° થી ૪૪° સે.ગ્રે. તાપમાનમાં થઇ શકે છે, પરંતુ બાજરાનાં છોડનો સારો વિકાસ થાય અને વધુ ઉત્પાદન મળે તે માટે ૨૮° થી ૩૩° સે.ગ્રે. તાપમાન વધુ અનુકુળ આવે છે. બાજરાના દાણાના ઉગાવાની અસર જુદા જુદા તાપમાને જુદી જુદી થતી હોય છે. બાજરાના દાણાનો ઉગાવો દિવસના ૨૮૦ થી ૩૩° સે.ગ્રે. તાપમાનમાં તેમજ રાત્રીના ૧૦ થી ૧૫ સે.ગ્રે. તાપમાનમાં સારો થાય છે.
જમીનની પસંદગી: બાજરાનો પાક લગભગ બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે પરંતુ હલકી, રેતાળથી મધ્યમ કાળી જમીનમાં વધુ ઉત્પાદન આપે છે. જ્યાં બીજા પાકોનું સારી રીતે ઉત્પાદન ન લઇ શકાતું હોય તેવી જમીનમાં પણ બાજરાનો પાક સારું એવું ઉત્પાદન આપે છે. સૌરાષ્ટ્રની કાળી અને મધ્યમ કાળી જમીનમાં બાજરાનો પાક લેવામાં આવે છે. બાજરાના પાકને હવાની સારી અવરજવર વાળી, સારી નીતારશક્તિ ધરાવતી જમીન વધારે માફ્ક આવે છે. ભારે જમીન કે જેમાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીન બાજરાના પાકને અનુકૂળ આવતી નથી. નવીનતમ જાતની પસંદગી ઃ જામનગર ખાતે ગુજરાત રાજ્યનું મુખ્ય બાજરા સંશોધન કેન્દ્ર આવેલું છે. જયાં બાજરાની જાતો બહાર પાડવાથી માંડીને તમામ પ્રકારની સંશોધનની કામગીરી કરવામાં આવે છે. જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલ જીએચબી ૫૫૮, જીએચબી ૫૩૮, જીએચબી ૫૭૭, જીએચબી ૯૦૫, જીએચબી ૭૧૯, જીએચબી ૭૪૪, જીએચબી ૫૫૭, જીએચબી ૭૩૨ જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ અથવા તાજેતરમાં બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ બાયોફોર્ટીફાઈડ (લોહનું પ્રમાણ ૭૦ અને જસતનું પ્રમાણ ૮૦ પીપીએમથી વધારે) બાજરાની જાતો જીએચબી ૧૧૨૯, જીએચબી ૧૨૨૫ અથવા જીએચબી ૧૨૩૧નું વાવેતર કરવું જોઈએ.(ક્રમશઃ)














































