અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત જાણીતા વક્તા ડો. આઈ. કે. વિજળીવાળાનું ‘ચાલો જિંદગીને જીતી લઈએ’ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું. દીપ પ્રાગટ્યથી પ્રારંભાયેલા આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વિલાસબેન સોરઠિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પોતાના વ્યાખ્યાનમાં ડો. વિજળીવાળાએ સરળ રજૂઆત દ્વારા સમયનું મૂલ્ય, ધ્યેયનિર્ધારણ, શિસ્ત અને સકારાત્મક અભિગમ જેવા મૂલ્યો સમજાવી વિદ્યાર્થીઓને પડકારોને તકમાં ફેરવવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે કાલેજ પરિવાર દ્વારા સ્મૃતિચિહ્ન અને વિદ્યાર્થિની કુ. ભક્તિ મારૂનું ડ્રોઈંગ ડો. વિજળીવાળાને ભેટ અપાયું હતું. કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડા. એમ. જે. પટોળિયાએ અને આભાર વિધિ ડા. અરવિંદકુમાર ઉપાધ્યાયે કરી હતી.










































