મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરી છે, જે કાયદાકીય જાગવાઈઓ, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા, અન્ય રાજ્યોની નીતિઓ અને અદાલતી ચુકાદાઓનો અભ્યાસ કરીને સરકારને ભલામણો કરશે.
રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ કક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિમાં સામાન્ય વહીવટ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિ માટેની કચેરીના કમિશનરને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા સંબંધિત વિવિધ પાસાંઓનો સર્વગ્રાહી અભ્યાસ કરશે અને યોગ્ય નીતિ માટે વિગતવાર ભલામણો રજૂ કરશે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલા ઠરાવ હેઠળ રચાયેલી આ સમિતિ રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા સંબંધિત પ્રવર્તમાન કાયદાકીય જાગવાઈઓનો અભ્યાસ કરશે. આ ઉપરાંત ભારત સરકારની સૂચનાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે. આ કાયદાકીય અને વહીવટી અભ્યાસના આધારે ગુજરાત માટે યોગ્ય અને અમલી બનાવી શકાય તેવી નીતિ ઘડવા અંગે સમિતિ સરકારને માર્ગદર્શન આપશે. સમિતિ દેશના અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે અમલમાં રહેલી નીતિઓ અને જાગવાઈઓનો પણ તુલનાત્મક અભ્યાસ કરશે. ખાસ કરીને બઢતીમાં અનામતની ટકાવારી, તેની અમલીકરણ પ્રક્રિયા અને તેના માટે જરૂરી વહીવટી તથા કાયદાકીય પગલાં જેવા મુદ્દાઓ પર અભ્યાસ કરવામાં આવશે. અન્ય રાજ્યોના અનુભવ અને અદાલતી ચુકાદાઓના આધારે ગુજરાત માટે યોગ્ય માળખું તૈયાર કરવાની દિશામાં ભલામણો કરવામાં આવશે. સમિતિને જરૂરી જણાય ત્યારે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ અથવા કચેરી પાસેથી સંબંધિત માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા પણ આપવામાં આવી છે. વિવિધ વિભાગો પાસેથી મળતી માહિતી, કર્મચારીઓની સ્થિતિ અમલીકરણ સંબંધિત મુદ્દાઓના આધારે સમિતિ પોતાનો સર્વગ્રાહી અભ્યાસ પૂર્ણ કરશે. સમિતિની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી સમયમર્યાદા મુજબ આગળ વધશે.દિવ્યાંગ કર્મયોગીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા માટે યોગ્ય નીતિ ઘડવા સમિતિની રચનાને રાજ્ય સરકારનું સંવેદનશીલ અને સમાવેશી પગલું માનવામાં આવી રહ્યું છે. સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ દિવ્યાંગ અધિકારીઓ તથા કર્મચારીઓ માટે બઢતીમાં સમાન તક અને અનામત અંગેની સ્પષ્ટ નીતિ બનાવવાનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે. આ પહેલ રાજ્ય સરકારના દિવ્યાંગ કર્મચારીઓના સશક્તિકરણ અને સમાન અવસરના હેતુને વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.