સૌરાષ્ટ્રના ચકચારી રાજુ સોલંકીના પુત્રના અપહરણ કેસ મામલે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં કોર્ટે આરોપી તરીકે ગણેશ જાડેજાને મોટી રાહત આપી છે. રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના કેસમાં કોર્ટે ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા બંને પક્ષ વચ્ચે સામાજીક રીતે સમાધાન થયું હતું અને હાલ કાયદાકિય લડતમાં પણ જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે આ મામલો હાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.
વિગતવાર વાત કરીએ તો, આ વિવાદની શરૂઆત વર્ષ ૨૦૨૪માં થઈ હતી, તે સમયે જૂનાગઢ ખાતેથી દલિત સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ અને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટના બાબતે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાતા જે-તે સમયે આ પ્રકરણે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. બાદમાં આ કેસમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે હત્યાનો પ્રયાસ (૩૦૭), અપહરણ (૩૬૫), આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી તેમને જેલ હવાલે પણ કર્યો હતો. જોકે લાંબો સમય જેલમાં રહ્યા બાદ તાજેતરમાં જ કોર્ટ દ્વારા ગણેશ જાડેજા અને અન્ય આરોપીઓને આ કેસ મામલે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ વિવાદ માત્ર એક તરફી નહોતો. ગણેશ જાડેજાની ધરપકડ બાદ જૂનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી અને તેમના પરિવાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાજુ સોલંકી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ગુજકોટ (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ રાજુ સોલંકી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, અને સરકારી અધિકારી પર હુમલા સહિતના અંદાજે ૧૨ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા.
સમગ્ર મામલે ગત વર્ષે ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાન ‘શ્રી ગણેશ’ બંગલે બંને પક્ષે સમાધાન બાબતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજુ સોલંકી સહિત દલિત સમાજના અગ્રણી અને મોટા ગજાના સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં બંને પક્ષોએ જૂની વાતો અને વિવાદો ભૂલીને પરસ્પર સંમતિથી સમાધાન સ્વીકાર્યું હતું. જે તે સમયે સમાધાન બાદ બંને પક્ષોએ મીડિયા સમક્ષ રોચક નિવેદનો પણ આવ્યા હતા.
આ સમાધાન બાબતે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, આખા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સમાજને ગેરમાર્ગે દોર્યો, આ પ્રકરણમાં રાજુ ક્યાંય દોષિત છે જ નહીં અને પીડિત તેમના પુત્ર સંજય સોલંકીએ પણ આખી હકીકત કોર્ટ સમક્ષ રજૂ કરી દીધી છે. જ્યારે સમગ્ર મામલે રાજુ સોલંકીએ જણાવ્યું કે, ગણેશ ગોંડલ અને સંજય સોલંકીનો ઝઘડો માત્રને માત્ર ગોંડલ ફજી રિબડાનો હતી, આમાં દલિત સમાજને કાંઈ જ લેવા દેવા નહોતા. જે- તે સમયે રાજકોટ તથા જૂનાગઢ જિલ્લાના બે-ત્રણ આગેવાનોને આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો. જેના કારણે મારા પર ગુજકોટ લાગી અને હું જેલમાં ગયો અને કપરી સ્થિતિમાં સમાજના બધા આગેવાનોએ હાથ ઊંચા કરી દીધા. ત્યારે આઠ મહિલા અગાઉ બંને પક્ષે સામાજિક રીતે જાહેરમાં સમાધાન બાદ હાલ આ મામલે જુનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટ કાયદાકીય રીતે પહેલા પણ ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કરતા આ મામલો હાલ ફરી ચર્ચામાં આવ્યો છે.