અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાને પત્ર લખી ઈન્દિરા શોપીંગ સેન્ટરની દુકાનોની ટ્રાન્સફર ફીમાં કરાયેલો જંગી વધારો પાછો ખેંચવા અને ભાડા પર લેવાતો ૧૮% જી.એસ.ટી. દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ચતુરભાઈ અકબરીએ જણાવ્યું કે ૪૦ વર્ષ જૂની જર્જરીત દુકાનોની ટ્રાન્સફર ફી ૩૫-૫૫ હજાર રૂપિયાથી વધારીને ૩ થી ૫ લાખ રૂપિયા કરી દેવાતા વેપારીઓ માટે ટ્રાન્સફર મુશ્કેલ બન્યું છે, જેનાથી નગરપાલિકાને પણ આર્થિક નુકસાન થાય છે. ઉપરાંત, ૩૧/૩/૨૭ ના રોજ ભાડાની મુદત પૂરી થયા બાદ વેપારીઓની સંમતિ વગર ભાડું ન વધારવા અને ખરીદ-વેચાણ પર પહેલેથી જ જી.એસ.ટી. ભરાતો હોવાથી ભાડા પરનો જી.એસ.ટી. રદ કરવા માંગ કરાઈ છે. આ રજૂઆતની નકલ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત અન્ય અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.







































