ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં પોષણ કિટ વિતરણ, શોર્ટ ફિલ્મના વિજેતાઓના નામ જાહેર કરાયા,તિરંગા યાત્રા અને શિસ્તબધ્ધ પરેડ બાદ શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું
અમરેલી શહેરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાની ઉજવણીને લઈને શહેરમાં ઠેર-ઠેર વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અમરેલી શહેર હાલ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. શહેરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં ૩૦૦ મીટરનો તિરંગો આર્ક્ષણનુ કેન્દ્ર બન્યો હતો. તિરંગા યાત્રામા ધારાસભ્ય મહેશ કસાવાળા, જનક તળાવીયાની હાજરીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત પોલીસ જવાનો તેમજ ચેતક કમાન્ડોની શિસ્તબધ્ધ પરેડે પણ લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અમરેલીમાં નાગરિકો માટે શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ૧૩થી ૧૬ ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ પ્રદર્શનમાં નાગરિકો, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો અને વિવિધ સાધનોને નજીકથી નિહાળવાની તક મળી રહી છે. આ પ્રદર્શન દ્વારા સુરક્ષા દળોની કામગીરી અંગે લોકોને માહિતી અને જાગૃતિ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.ચેતક કમાન્ડર એ.વી. ગોહિલે જણાવ્યું હતું કે શસ્ત્ર પ્રદર્શનમાં ગુજરાત પોલીસના વિવિધ વિભાગોના કુલ ૩૨ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ચેતક કમાન્ડોના આધુનિક શસ્ત્રોના ૧૦ સ્ટોલ, સ્ટેટ મ્ડ્ઢજીના ૫ સ્ટોલ, મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સના ૫ સ્ટોલ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૫ સ્ટોલ તેમજ અમરેલી જિલ્લા પોલીસના ૫ સ્ટોલનો સમાવેશ થાય છે. વિવિધ વિભાગો દ્વારા પોતાના ઉપયોગમાં લેવાતા સાધનો અને શસ્ત્રોની માહિતી પણ મુલાકાતીઓને આપવામાં આવી રહી છે.
શસ્ત્ર પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના શસ્ત્રો અંગે માહિતી આપવાનો અને દેશની સુરક્ષા વ્યવસ્થા અંગે જાગૃતિ વધારવાનો છે. પ્રદર્શનની મુલાકાત લેનારા નાગરિકોને સુરક્ષા દળોની કામગીરી અને તેમની પાસે રહેલા આધુનિક સાધનો અંગે જાણકારી મળી રહી છે. જેના કારણે યુવાનોમાં પણ સુરક્ષા દળો પ્રત્યે રસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનમાં ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતા કેટલાક અત્યાધુનિક શસ્ત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. ચેતક કમાન્ડર એવી ગોહિલના જણાવ્યા મુજબ ‘વિધ્વંશક’ નામના શસ્ત્રની રેન્જ આશરે ૨૪૦૦ મીટર છે. આ ઉપરાંત AGL એટલે કે ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે, જેની રેન્જ આશરે ૨૦૦૦ મીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્નર ગન, સ્નાઈપર, AK-૪૭, MP5 અને ગ્લોક પિસ્તોલ સહિતના આધુનિક શસ્ત્રો પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે. અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તિરંગા યાત્રા, પોલીસ પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં નાગરિકો વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. રાજ્યકક્ષાની ઉજવણીના કારણે અમરેલી શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો છે અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે
અમરેલી નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે સાવરકુંડલા રોડ પર આવેલા શેલ્ટર હાઉસ પટાંગણ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રી જિતુ વાઘાણી, ઉર્જામંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અમરેલી નગરપાલિકાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન યોજના હેઠળ રૂ. ૩ કરોડની ગ્રાન્ટ અંતર્ગત અમરેલી શહેરમાં ઓક્સિજન પાર્ક અને રોડ સાઇડમાં ૧૩ હજારથી વધુ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનથી શહેરને હરિયાળું બનાવવા અને પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપવામાં આવશે. નગરજનોને કાર્યક્રમમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
અમરેલીમાં અખંડ ભારત સંકલ્પ સાથે બજરંગ દળની મશાલ યાત્રા
અમરેલીમાં ૧૪ ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે બજરંગ દળ દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના
કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો મશાલ યાત્રામાં જોડાયા હતા. મશાલ યાત્રા દરમિયાન અખંડ ભારતના સંકલ્પ સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. ભારત ફરી અખંડ બને તેવા સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ દેશભક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. મશાલ યાત્રામાં જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
સાવરકુંડલા છઁસ્ઝ્રમાં તિરંગા યાત્રા યોજાઈ
સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ તિરંગા યાત્રામાં માર્કેટ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી, ડિરેક્ટરો, સેક્રેટરી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વેપારી મહામંડળના પ્રમુખ, વેપારીઓ તેમજ માર્કેટ યાર્ડ મજૂર યુનિયનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌએ હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના સાથે યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર માર્કેટ યાર્ડમાં દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે માર્કેટ યાર્ડના સ્ટાફ અને આયોજકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
જાફરાબાદમાં તિરંગા યાત્રા યોજાઈ
જાફરાબાદ શહેરમાં આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શહેર ભાજપ, તાલુકા ભાજપ, નગરપાલિકાના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.યાત્રાનો પ્રારંભ જાફરાબાદની પારેખ અને મહેતા હાઈસ્કૂલ ખાતેથી થયો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.








































