ચલાલા પોલીસ સ્ટેશન પાસે એક યુવકને “ધર્મેન્દ્રભાઈની જમીન ભૂલી જા, નહીંતર રૂપિયા ૧૦ લાખ આપી દે” તેમ કહી ખંડણી માંગી ગાળો આપવામાં આવી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.આ અંગે ચલાલામાં રહેતા સૂર્યવીરસિંહ દિલુભાઈ વાળા (ઉં.વ. ૪૨)એ ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ ગજેરા (રહે. ગોંડલ), ઉપેન્દ્રભાઈ વલકુભાઈ વાળા (રહે. મીઠાપુર-ડુંગરી) અને મયુરભાઈ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમની ખેતીલાયક વાડી કરેણ ગામમાં આવેલી છે, જેને અડીને જ આરોપી ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ ગજેરાની વાડી આવેલી છે. આ જમીન બાબતે આરોપીએ તેમને પોતાની જમીનમાં વાવેતર ન કરવા અને ટ્રેક્ટર ન ચલાવવા અંગે ગર્ભિત ધમકી આપી હતી.આ બાબતે તેઓ ચલાલા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા ત્યારે, આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફોર-વ્હીલર કાર પૂરઝડપે અને બેફામ રીતે ચલાવીને મારી નાખવાના ઈરાદા સાથે તેમની એક્ટિવા સાથે અથડાવી હતી. જેના કારણે તેમને ડાબા પગના પંજા પર ઈજા પહોંચી હતી.ત્યારબાદ ઉપેન્દ્રભાઈ વાળાએ ગાડીમાંથી નીચે ઊતરી, લોખંડનો પાઈપ કાઢીને તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને “ધર્મેન્દ્રભાઈની જમીન ભૂલી જા, નહીંતર રૂપિયા ૧૦ લાખ આપી દે” તેવી ખંડણી માંગી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ આર. એચ. રતન વધુ તપાસ ચલાવી રહ્યા છે.