બાબરા તાલુકાના ખાખરીયા ગામે “મિશન ગ્રીન ખાખરીયા” અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી ૯૨૦ ફળાઉ વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાશ્રી ભુપતભાઈ કુરજીભાઈ વાવડીયાના રૂ. ૭૦ હજારના યોગદાનથી યોજાયેલા આ અભિયાનમાં ખેડૂતો અને ગ્રામજનોને આંબા, ચીકુ, દાડમ, જામફળ તથા સીતાફળના રોપાઓ આપવામાં આવ્યા હતા. ગામના ખેતરો, ઘરો અને આસપાસના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું વાતાવરણ સર્જવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. યુવા ટીમ દ્વારા પણ આ સેવાકીય કામગીરીમાં સહયોગ આપવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ સાથે તેના જતન અને સંવર્ધન માટે ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી.