બાબરાના કોટડાપીઠા ગામે ઘર પાસે ઊભા રહેવા બાબતે ઠપકો આપતાં છરી ઉગામી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે બિપીનભાઈ રામદાસભાઈ ચૌહાણ (ઉં.વ.૪૩)એ સંજય કેશુભાઈ માથાસુળિયા, વિપુલ કેશુભાઈ માથાસુળિયા, ભૂપતભાઈ કેશુભાઈ માથાસુળિયા તથા કેશુભાઈ રવજીભાઈ માથાસુળિયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપીઓ બિનજરૂરી તેમના ઘર પાસે ઊભા રહેતા હતા. જે બાબતે તેમણે ઠપકો આપતાં આરોપીઓને સારું નહોતું લાગ્યું. જેનું મનદુઃખ રાખીને તેમણે ઘર પર પથ્થરના છૂટા ઘા કર્યા હતા, તેમજ લાકડીથી તેમને તથા સાક્ષીઓને શરીરે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત છરીથી વિજયભાઈ રામદાસભાઈને આંગળીએ ઈજા કરી હતી. આરોપીઓએ તેમને તથા સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સંજયભાઈ કેશુભાઈ માથાસુળિયા (ઉં.વ.૨૫)એ બિપીનભાઈ પનાભાઈ દેવીપૂજક, વિજયભાઈ પનાભાઈ દેવીપૂજક, રાહુલભાઈ બિપીનભાઈ દેવીપૂજક તથા રોહિતભાઈ બિપીનભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના ઘરેથી ગામમાં જવાનો રસ્તો આરોપીઓના ઘર પાસેથી હતો. આ રસ્તે તેઓ ચાલે તે આરોપીઓને ગમતું નહોતું, જેથી બિપીનભાઈ દેવીપૂજકે આ રસ્તે ચાલવાની ના પાડી હતી.તેઓ બળદ લઈને આરોપીના ઘર પાસેથી નીકળતાં સારું નહોતું લાગ્યું અને ગાળો આપી હતી. તેમજ જીવલેણ હથિયાર ધારણ કરી પોતાની પાસે રહેલા ધારિયાનો એક ઘા માથાના ભાગે મારી ઈજા કરી હતી. તેમને તથા સાક્ષી કેશુભાઈને આડેધડ માર મારી શરીરે મૂંઢ ઈજા કરી હતી. ઉપરાંત પથ્થરના ઘા કરી ફરિયાદીને પથ્થર મારી મૂંઢ ઈજા પહોંચાડીને ચારેય આરોપીઓએ તેમને તથા સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એમ.ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.