બાબરાના બળેલ પીપરીયા ગામે શેઢે ઢોર ચરાવવાની ના પાડતાં ભરવાડે ખેડૂતને ફટકાર્યો હતો, તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિઠ્ઠલભાઇ વાલાભાઇ ગજેરા (ઉં.વ.૮૧)એ રામાભાઇ લાખાભાઇ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની વાડીએ કપાસ નીંદણનું કામ કરતા હતા. તે દરમિયાન આરોપી રામાભાઇ લાખાભાઇ ભરવાડ પોતાની ગાયો તથા ભેંસો તેમના શેઢે ચરાવતા હતા. જેથી તેમણે આરોપીને ઢોર ચરાવવાની ના પાડતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ હાથમાં રહેલી લાકડી વડે એક ઘા તેમના જમણા હાથે મારતાં લોહી નીકળવા લાગ્યું હતું. ઉપરાંત લાકડીનો બીજો ઘા ડાબા હાથની કલાઈ ઉપર મારતાં લોહી નીકળવા લાગ્યું હતું તથા લાકડીનો ત્રીજો ઘા ડાબા હાથના પોંચા પર મારતાં, ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. તેમજ જેમ ફાવે તેમ બેફામ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એમ.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































