શહેરમાં ફરી એકવાર ગેંગવોરનો લોહિયાળ ખેલ સામે આવ્યો છે. ભેસ્તાનના ભીમનગર વિસ્તારમાં વર્ષ ૨૦૨૦ના કુખ્યાત સૂર્યા મરાઠી હત્યા કેસના આરોપી અને રીઢા ગુનેગાર સતીશ મરાઠા ઉર્ફે સત્યા સુરેશભાઈ ધાગડેની (ઉ.વ. ૩૨, રહે. રામરાજ્ય સોસાયટી, ગોડાદરા) જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. હુમલા દરમિયાન ફાયરિંગ પણ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ હત્યા સમયે સતીશની સ્ત્રી મિત્ર પણ તેની સાથે જ હતી.
ભીમનગર ખાતે મંદિર નજીક આવેલા કાલુના અડ્ડા પાસે સતીશ પોતાની કારમાં સ્ત્રી મિત્ર સાથે બેઠો હતો. આ દરમિયાન ટુ વ્હીલર પર આવેલા અંદાજે પાંચથી સાત જેટલા શખ્સોએ કારને ઘેરી લીધી હતી. ત્યારબાદ જીવ બચાવવા સતીશ ત્યાંથી ભાગ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે એક પછી એક મોઢા, છાતી અને હાથ પર ઘા ઝીંક્યા હતા. જેથી સતીશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભેસ્તાનમાં હત્યાનો ભોગ બનેલો સતીશ મરાઠા વેડરોડના સૂર્યા મરાઠીની હત્યામાં પકડાયો હતો. એ પછી મારામારી ધમકી સહિતના ગુના પણ તેની વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાયા હતા. ગોડાદરામાં તાજેતરમાં સતીશ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ઉપરાંત બ્રિજ નીચે દારૂનું સ્ટેન્ડ પણ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
જાકે, સતીશની હત્યામાં તિક્ષ્ણ હથિયારો અને પિસ્તોલમાંથી ફાયરીંગ પણ કરાયુ હોવાનું બહાર આવ્યુ છે. સતીશના મૃતદેહનું પીએમ કરાવ્યા પછી કેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યુ એ સ્પષ્ટ થશે તેવું પણ પોલીસે જણાવ્યું હતુ. પ્રાથમિક તપાસમાં સૂર્યા મરાઠીની હત્યાની અદાવતનું પરિણામ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને સફી અને લાજપોરની જેલમાં રહેલા પ્રવીણ રાઉત, રાહુલ મંડલ અને શિવા ટકલા પર છે.
ચર્ચા એવી પણ છે કે, સતીશની હત્યામાં ફુદુ, સની સહિતની સંડોવણી હોય શકે છે. સતીશની હત્યામાં ગોડાદરાના આકાશ ઉર્ફે બટકાની સંડોવણી બહાર આવતા તેની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં સુરતના કુખ્યાત સૂર્યા મરાઠીની થયેલી હત્યામાં સતીશ મરાઠા મુખ્ય આરોપીઓ પૈકીનો એક હતો. ત્યાર બાદ ૨૦૨૫માં સતીશ જેલમાંથી બહાર આવ્યો હતો. આ ચકચારી ઘટના પાછળનું કારણ તો પોલીસની તપાસ બાદ જ જાણી શકાય છે.








































