શહેરના કણકોટ ગામ નજીક નિર્માણાધીન સરદારધામની સાઇટ પર રહેતા શ્રમિક પરિવારમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં પત્નીને માર મારતા પિતાને રોકવા વચ્ચે પડેલા સગીર પુત્રે ઝપાઝપી દરમિયાન પિતાનું ગળું દબાવી દેતાં તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે તાલુકા પોલીસે સગીર પુત્રને કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, આ બનાવમાં મૃતકની ઓળખ ૪૦ વર્ષીય ભરતસિંગ ડામોર તરીકે થઈ છે. મૂળ મધ્યપ્રદેશના વતની નાની ડામોર અને તેમનો સગીર પુત્ર રાજકોટના કણકોટ નજીક સરદારધામની નિર્માણાધીન સાઇટ પર મજૂરીકામ કરતા હતા અને સાઇટ પર આવેલી ઓરડીમાં રહેતા હતા. દરમિયાન નાની ડામોરના પતિ ભરતસિંગ ધાનસિંગ ડામોર (ઉવ.૪૦) આજે ૫મી ઓગસ્ટને ગુરુવારે વહેલી સવારે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો હતો. રાજકોટ પહોંચ્યા બાદ ભરતસિંગનો પત્ની સાથે કોઈ મુદ્દે ઝઘડો શરૂ થયો હતો. દિવસ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ચાલતી રહી હતી.
બનાવ સમયે બપોરના સમયે ભરતસિંગ નશાની હાલતમાં પત્ની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. માતાને માર ખાતી જોઈ સગીર પુત્ર વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થતાં મામલો વણસ્યો હતો. ઝપાઝપી દરમિયાન સગીર પુત્રે ભરતસિંગનું ગળું દબાવી દીધું હતું. ગંભીર હાલતમાં ભરતસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સગીર પુત્રને સ્થળ પરથી જ સકંજામાં લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જાકે, દારૂના નશામાં પત્ની સાથે મારપીટ કરતાં પુત્ર વચ્ચે પડ્યો અને ઝપાઝપી દરમિયાન ભરતસિંગનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભરતસિંગ મધ્યપ્રદેશમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ સાથે રહેતો હતો. જ્યારે તેની પત્ની નાની ડામોર અને એક સગીર પુત્ર રાજકોટમાં મજૂરી કરતા હતા. ભરતસિંગ કોઈ નિયમિત કામધંધો કરતો ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પત્ની અને પુત્રનો પગાર થતો ત્યારે ભરતસિંગ મધ્યપ્રદેશથી રાજકોટ આવતો અને તેમની મહેનતની કમાણીમાંથી પૈસા લઈ પરત જતો હતો. આ વખતે પણ તે પૈસા લેવા રાજકોટ આવ્યો હતો. ત્યારે આ માહિતીને આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.