ધારી ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલી સરકારી સિંચાઈ યોજનાની જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરદારનગર સોસાયટી પાછળ આવેલી આ જમીન ખોડીયાર ડેમના ડુબાણ વિસ્તારનો ભાગ હોવાનું જણાવાયું છે. સરકારી જમીન પર એક શખ્સ દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો, જેને વહીવટી તંત્રએ દૂર કરીને જમીન સરકારના કબજામાં લીધી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન મામલતદાર કચેરી, સિંચાઈ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દબાણ કરનાર શખ્સ સામે અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતીના આધારે ધારી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં. પોલીસની હાજરીમાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.







































